ઝઘડિયા તાલુકા સહીત રાજપીપલા સુધી રેલવેના અણઘડ કારભારના કારણે ગરનાળા ની સમસ્યા આજીવન સમસ્યા બની
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી બ્રોડગેજ રેલવે લાઈન માટે બનાવેલા ગરનાળા સ્થાનિક લોકો માટે આજીવન સમસ્યારૂપ બની ગયા .ગરનાળા રેલવેની જરૂરિયાત મુજબ બનાવી સ્થાનિકો માટે અસુવિધા ઉભી કરી રેલવેએ તેનું જક્કી વલણ પ્રદર્શિત કર્યું છે.ગરનાળામાં વરસાદી પાણીના નિકાલ માટે તદ્દન અણઘડ કામગીરી કરી કાયમ માટે ચોમાસામાં એક ફૂટ જેટલા પાણી ભરાઈ રહેતા હોવાથી સ્થાનિકો માટે મોટી સમસ્યા ઉભી કરી છે.નિયમિત ચોમાસા પૂર્વે સફાઈ થતી નહિ હોવાના કારણે પાણીનો ભરાવો કાયમ રહે છે જેથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભારતીય રેલવે દ્વારા અંકલેશ્વર થી વાયા ઝઘડિયા રાજપીપલા સુધીની રેલવે લાઇનનું વિસ્તૃતીકરણ કરેલ હતું, આ કામગીરી દરમિયાન રેલવે દ્વારા જ્યાં જ્યાં ફાટકો હતી ત્યાં ત્યાં આડેધડ ગરનાળાઓ બનાવી દીધા .જેતે ગામની ભૌગોલિક પરિસ્થિતિ,વરસાદી પાણીનો નિકાલ અને તે રોડ પરથી કેવા વાહનો પસાર થાય છે તેનું વિશ્લેષણ કર્યા વગર રેલવેની અનુકૂળતા પ્રમાણેના ગરનાળા ઠોકી બેસાડવામાં આવ્યા હતા.હાલમાં આ ગરનાળાઓમાં વરસાદ બંધ થયાના ૨૪ કલાક બાદ પણ એક ફૂટ જેટલા પાણી ભરાયેલા રહે છે.બાઈક અને વાહનો તો પસાર થઈ જાય છે
પરંતુ રાહદારીઓ,સ્કૂલે જતા વિદ્યાર્થીઓ, ગામમાં આવેલા મહેમાનોએ ફરજિયાત પાણીમાં પગ બગાડીને જ પસાર થવું પડે છે. ઝઘડિયાના રાણીપુર ખાતે સરકારી કોલેજ,સરકારી છાત્રાલય, સીબીએસસી સ્કૂલ, સરકારી પ્રાથમિક શાળા આવેલ છે.ત્યારે વિદ્યાર્થીઓ રાણીપુરા બસ સ્ટોપ પરથી કોલેજ,છાત્રાલય,શાળાએ પગપાળા જાય છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓ કેવી પરિસ્થિતિમાં શિક્ષણ મેળવતા હશે તે નિંદ્રાધીન રેલવે વિભાગના જવાબદાર અધિકારીએ સમજવું પડશે.આ ગામના રેલવેના ગરનાળામાં પાણીનો યોગ્ય નિકાલ જ નથી વરસાદી પાણીના નિકાલ ખુબ સાંકડી જગ્યામાં છે.
જેથી પાણીનો નિકાલ ઝડપી થતો નથી ઉપરાંત ચોમાસા પૂર્વે ગરનાળાની સફાઈ થતી નથી એટલે માટીના પુરાણના કારણે પણ પાણી નિકાલ ઝડપી થતો નથી.આ ગરનાળામાં સરદાર પ્રતિમાને જોડતા હાઈવેના વિસ્તૃતીકરણ બાદ હાઈવેનું પાણી પણ ખેતરોમાં થઈ આ ગરનાળામાં આવી રહ્યું છે.જો એક સાથે બે ઇંચ વરસાદ પડે તો બે ત્રણ કલાક માટે વાહન વ્યવહાર બંધ થઈ જાય છે કેમકે ગરનાળામાં પાંચ ફૂટ થી વધું પાણીનો ભરાવો તેના નિકાલનો રસ્તો નાનો હોવાના કારણે થઈ જાય છે.
રેલવેના અણઘડ કારભારના કારણે ગરનાળાની સમસ્યા આજીવન સમસ્યા બની ગઈ છે.રેલવેની સુવિધા આપવાના નામ પર સેંકડો ગરનાળા સ્થાનિક ગ્રામજનો માટે અસુવિધારૂપ બનાવી દેવાયા છે.ઝઘડિયા તાલુકામાં જે જે ગામોમાં ગરનાળાની સમસ્યા છે તેમાં ખર્ચી, બોરીદ્રા,કપલસાડી ફાટક, ઉચેડિયા (ગુમાનદેવ),રાણીપુરા પેટ્રોલ પમ્પ પાછળ, રાણીપુરા ગામ, લિમોદ્રા, કરાડ, અવિધા,માધુપુરા, સારસા, અછાલીયા, દુઃવાઘપુરા વિગેરે ગામોમાં ગરનાળાની સમસ્યા આજીવન સમસ્યા બની ગઈ છે. રેલવે દ્વારા સમયસર ચોમાસા પૂર્વે ગરનાળાની સફાઈ થાય અને જ્યાં જ્યાં વરસાદી પાણીનો નિકાલ સાંકડો છે ત્યાં યોગ્ય રીતે સુધારો કરી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ છે.*