Western Times News

Gujarati News

ઓપરેટ કરતા ન આવડતા ચોરે માલિકને મોબાઈલ પરત કર્યો

મોબાઈલ પરત કરાતા માલિકે ફરિયાદ પાછી ખેંચી લીધી
કોલકાતા, પશ્ચિમ બંગાળમાં ચોરીનો એક અનોખો મામલો સામે આવ્યો છે. અહીંના વર્ધમાન જિલ્લામાં એક ચોરે ફોન ચોરી કર્યા બાદ તેના માલિકને પાછો આપી દીધો. જે વ્યક્તિએ ફોન ચોરી કર્યો હતો તેને આ મોંઘોદાટ ફોન વાપરતા નહોતું ફાવતું. આથી તેણે માલિકને ફોન પાછો આપી દીધો. સોમવારે પોલીસે જણાવ્યું કે, જે મોબાઈલ ચોરી થયો હતો તે લગભગ ૪૫ હજાર રૂપિયાની કિંમતનો હતો. જોકે ચોરી કરનારા ૨૨ વર્ષના યુવકને તે ઓપરેટ કરતા નહોતું ફાવતું.’ જે બાદ તેણે માલિકને ચોરીનો ફોન પાછો આપવાનો ર્નિણય લીધો. આટલું જ નહીં ચોરે પોતાનું એડ્રેસ પણ ફોનના માલિકને જણાવી દીધું. હવે આ મામલા સામે આવ્યા બાદ ફોનનો માલિક જ નહીં પરંતુ પોલીસ પણ દંગ રહી ગઈ. પોલીસ મુજબ, ચાર સપ્ટેમ્બર પૂર્વ વર્ધમાન જિલ્લાના જમાલપુરમાં મિઠાઈની દુકાન પરથી એક વ્યક્તિનો લગભગ ૪૫ હજાર રૂપિયાનો મોંઘોદાટ મોબાઈલ ચોરી થઈ ગયો. દુકાન પર જ ઊભેલા એક યુવકે આ મોબાઈલ ચોરી લીધો હતો. ફોન કરવા પર તે સ્વીચ ઓફ આવી રહ્યો હતો, જે પરથી માલિકને સમજાઈ ગયું કે તે ચોરાઈ ગયો છે અને ચોરી કરનારી વ્યક્તિએ તેમાંથી સિમકાર્ડ કાઢી લીધું હતું.

એ પછી મોબીલ માલિકે પોલીસમાં ફોન ચોરી થયો હોવાની ફરિયાદ નોંધાવી દીધી. પોલીસે જણાવ્યું કે ફોનનો માલિક વારંવાર પોતાના નંબર પર કોલ કરી રહ્યો હતો. આખરે રવિવારે તેના ફોન કરવા પર રીંગ વાગી. બીજી તરફ બોલી રહેલી વ્યક્તિએ કહ્યું કે આ મોબાઈલ તેણે જ મિઠાઈની દુકાન પરથી તે સમયે ચોરી લીધો જ્યારે તેણે કોઈ કામના કારણે મોબાઈલ કાઉન્ટર પર મૂકી દીધો હતો. હવે તે આ ફોન પાછો આપવા ઈચ્છે છે.

ચાર દિવસ સુધી ફોન બંધ રાખવા પાછળનું કારણ પૂછવા પર યુવકે જણાવ્યું કે, તમામ પ્રયાસો બાદ પણ તે ન જાણી શક્યો કે આ ફોન યુઝ કેવી રીતે કરવો. એવામાં તેણે વિચાર્યું કે તેને માલિકને પાછો આવી દેવો જોઈએ આથી તેણે ફરીથી સિમકાર્ડ તેમાં નાખી દીધું. મોબાઈલ ચોરી કરનારી વ્યક્તિએ પોતાના ઘરનું એડ્રેસ પણ જણાવી દીધું અને માલિકને ત્યાં જઈને મોબાઈલ લઈ જવા કહ્યું. આ બાદ માલિકને ચાલુ હાલતમાં તેનો ફોન પાછો મળી ગયો. ફોન પાછો મળ્યા બાદ માલિકે પોલીસ ફરિયાદ પાછી ખેંચી લીધી અને પોલીસને વિનંતી કરી કે ચોર વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરે. જે બાદ પોલીસે પણ મામલો ખતમ કરી દીધો. મોબાઈલના માલિકનું કહેવું છે કે, જ્યારે ચોરે ફોન રિસીવ કરીને કહ્યું કે તે મારો ફોન પાછો આપવા ઈચ્છે છે તો આ જાણીને હું આશ્ચર્યચકિત રહી ગયો. મેં તે જ દિવસે પોલીસની મદદથી તેના ઘરે જઈને ફોન પરત મેળવી લીધો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.