પુરવઠા વિભાગની આમોદમાં દુકાન સંચાલકની નાટકીય તપાસ કરતા ગરીબોમાં રોષ
અગાઉ પુરવઠા વિભાગે માત્ર સાત હજાર દંડ કરી સંતોષ માન્યો હતો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આમોદ સસ્તા અનાજની દુકાન સંચાલક ઉપર આજ રોજ પુરવઠા વિભાગે ફરીથી રેડ કરી નાટકીય તપાસ કરતા ગરીબોમાં રોષ જોવા મળી રહ્યો છે.નાટકીય તપાસથી ભ્રષ્ટ દુકાન સંચાલકો ગેલમાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો મુજબ આમોદમાં ગત ૧૮ જૂનના રોજ સસ્તા અનાજની દુકાન સંચાલક કોકિલાબેન પટેલ તરફથી રેશનકાર્ડ ધારક લખીબેન શિવાભાઈ રાઠોડને મળવાપાત્ર અનાજ કરતા ઓછું અનાજ આપ્યું હતું જેની જાણ આમોદના જાગૃત નાગરિકોને થતા તેમણે આમોદ મામલતદારને જાણ કરી હતી જેના અનુસંધાને પુરવઠા મામલતદારે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી પંચનામું કર્યું હતું જેમાં રેશનકાર્ડ ધારક લખીબેન શિવાભાઈ રાઠોડને મળવાપાત્ર કરતા ઓછું અનાજ આપ્યું હોવાનું ફલિત થયું હતું.ત્યાર બાદ આમોદ પુરવઠા મામલતદારે જિલ્લા પુરવઠા વિભાગમાં રીપોર્ટ કરતા જિલ્લા પુરવઠાની ટીમે દુકાન સંચાલકના અનાજમાં માં વધ ઘટ જણાતા જિલ્લા પુરવઠા અધિકારીએ માત્ર સાત હજારનો દંડ કરી સંતોષ માન્યો હતો.
આ ઉપરાંત આમોદ તાલુકા લોક સરકારના માધ્યમથી જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગર પુરવઠા વિભાગમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી.જેથી આજ રોજ ફરીથી તપાસ આવતા જિલ્લા પુરવઠાની ટીમે નાટકીય તપાસ કરતા ગરીબોમાં રોષ જોવા મળ્યો હતો.
જેમાં પુરવઠા વિભાગના અધિકારીએ રેશનકાર્ડ ધારકને મળવાપાત્ર કરતા કેટલું અનાજ ઓછું મળ્યું તે તપાસ કરવાને બદલે ઓનલાઈન નીકળેલી કૂપનમાં કેટલું અનાજ મળવાપાત્ર છે તેની કુપન અને રેશનકાર્ડ ધારકના લખેલ જથ્થો ની તપાસ કરતા હતા જેથી નાટકીય તપાસ કરતા ગરીબોમાં રોષ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે લખીબેન શિવાભાઈ રાઠોડને અનાજની કૂપનમાં ૩૫ કિલો ઘઉં ૧૫ કિલો ચોખા ૧.૭૫૦ કી.ગ્રામ ખાંડ તેમજ ૨ કિલો ચણા આપવાનું હતું જે બાબતે દુકાન સંચાલકે રેશનકાર્ડમાં તે મુજબનો જથ્થો પણ નોંધી દીધો હતો.પરંતુ લખીબેન પોતે અભણ અને ગરીબ હોય તેમને મળવાપાત્ર કરતા ઓછું અનાજ આપ્યું હતું.જેમાં તેમને ૧૫ કિલો ઘઉં ૮ કિલો ચોખા એક કિલો ખાંડ અને એક કિલો ચણા આપ્યા હતા.જે આમોદના પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે વજન કાંટા ઉપર તોલી ખરાઈ કરી હતી ત્યારબાદ પંચનામું કરી દુકાન સંચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરી જિલ્લા પુરવઠા અધિકારી ભરૂચને રીપોર્ટ કર્યો હતો.જેના અનુસંધાને જિલ્લા પુરવઠા અધિકારીએ આમોદના દુકાન સંચાલક કોકિલા પટેલને માત્ર ૭૦૦૦ હજારનો દંડ કરી સંતોષ માનતા ગરીબ દુકાન રેશનકાર્ડ ધારકોમાં પુરવઠા તંત્ર સામે છૂપો રોષ જોવા મળ્યો હતો.ભ્રષ્ટાચારી દુકાન સંચાલક ઉપર એક વખત આવેલી તપાસમાં માત્ર સાત હજારનો દંડ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી વાર થયેલી પુરવઠા વિભાગની નાટકીય તપાસમાં શુ તથ્ય બહાર આવે છે તે જોવું રહ્યું.
સરકાર ગરીબોને સસ્તા ભાવે અનાજ આપવા કટિબધ્ધ પણ ભ્રષ્ટાચારીઓ ગરીબોનું અનાજ સગેવગે કરવા તત્પર બન્યા છે.આમોદ નગરમાં ભ્રષ્ટાચારીઓએ જાણે માજા મૂકી હોય તેમ લાગી રહ્યું છે આમોદ વહીવટી તંત્રના છુપા આશીર્વાદથી ભ્રષ્ટાચારીઓને જાણે ઘી કેળા થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે.