અમેરિકામાં ચૂંટણી જીતવા ટ્રમ્પનો મોદી મંત્ર
ભારતના રાજકારણમાં એક માત્ર નરેન્દ્ર મોદી એવા નેતા છે કે જેમના નામે મહાસત્તા અમેરિકામાં ચૂંટણી જીતવા ટ્રમ્પ મત માંગી રહયા છેઃ ટ્રમ્પે રસાકસીભરી ચૂંટણીમાં મોદી કાર્ડ ઉતારતા રશિયા સહિતના દેશો ચોંકી ઉઠ્યાઃ એનઆરઆઈના મત લેવા અને મોદીની લોકપ્રિયતાનો લાભ ઉઠાવવા ટ્રમ્પને અમદાવાદ આવવું પડયુ હતુંઃ ટ્રમ્પની સામે ડેમોક્રેટના ઉમેદવાર બાઈડને પણ તેમના નાયબ તરીકે ભારતીય મુળની મહિલાને પસંદ કરતા ચૂંટણી જંગ રોમાંચક બન્યો. |
જગત જમાદાર તરીકે ઓળખાતા અને મહાસત્તા અમેરિકામાં ચૂંટણીના પડઘમ વાગી રહયા છે જેના પર વિશ્વભરના દેશોની નજર મંડાયેલી છે. હાલના પ્રમુખ ટ્રમ્પ કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોના કારણે સતત ચર્ચામાં રહયા છે જેના પરિણામે રશિયા સહિતના દેશો અમેરિકાની ચૂંટણીમાં દરમિયાનગીરી કરતા હોવાનો આક્ષેપ થઈ રહયો છે ત્યારે બીજીબાજુ વર્તમાન રાજકીય સ્થિતિમાં સૌથી વધુ લોકપ્રિય બનેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે હવે ટ્રમ્પ અમેરિકામાં મત માંગવા લાગ્યા છે. ભારત માટે આ ઐતિહાસિક બાબત છે અને ઈતિહાસમાં ભારતીય નેતાના નામે અમેરિકામાં મત માંગવામાં આવતા હોય તેવુ સૌ પ્રથમવાર બન્યુ છે. જેના પરિણામે અન્ય દેશોના નેતાઓ પણ ચોંકી ઉઠયા છે.
અમેરિકામાં ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે અને જાેરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વખત ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદાસ્પદ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. અમેરિકાના ૪પમા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં અનેક પ્રકારના નુસખા અજમાવ્યા હતાં જેના પરિણામે તેઓ સતત ચર્ચામાં રહયા હતાં અને તેમને અમેરિકામાં મતદારોનો ખૂબ જ સહકાર મળ્યો હતો પરંતુ પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સતત વિવાદોમાં રહયા છે અને કેટલાક કિસ્સાઓમાં તેમણે વિઝા નીતિ સહિતમાં કરેલા બદલાવ પુનઃ ખેંચવા પડયા હતાં એટલું જ નહીં પરંતુ અસરકર્તાઓએ કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા જેના પરિણામે ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો. રિપબ્લીકન પાર્ટીએ આગામી ચૂંટણી માટે પણ ટ્રમ્પને નોમીનેટ કર્યાં છે જેના પરિણામે હાલ ટ્રમ્પ અમેરિકામાં પુરજાેશથી પ્રચાર કરી રહયા છે. સામે પક્ષે ડેમોક્રેટના ઉમેદવાર બાઈડને પણ ટ્રમ્પની સામે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ટ્રમ્પે ચૂંટણી જીતવા માટે છેલ્લા એક વર્ષથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને આ માટે તેણે ભારતના વડાપ્રધાન તરફ મીટ માંડી હતી. અમેરિકામાં વસતા બિનનિવાસી ભારતીયોના મત ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ મત મેળવવા માટે ટ્રમ્પે મોદીની મદદ લેવાનું શરૂ કર્યું છે. ઈતિહાસમાં સૌ પ્રથમવાર મહાસત્તા અમેરિકામાં યોજાતી ચૂંટણીમાં ભારતીય નેતાનો મહત્વપૂર્ણ રોલ સાબિત થઈ રહયો છે. ભારત અમેરિકાનું મિત્ર છે અને મિત્રતા નીભાવવામાં મોદીએ પણ કોઈ કસર છોડી નથી. સૌ પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વખત ચૂંટણી જીતે તે માટે તેમના પ્રચાર અર્થે યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં ઉપસ્થીત રહયા હતાં.
અમેરિકામાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત બીનનિવાસી ભારતીયોને મોદીએ સંબોધ્યા હતાં અને સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે અમેરિકા અને ભારત હંમેશા એકબીજાના મિત્રો બનીને ઉભા રહેશે જાેકે આ પરિસ્થિતિનો લાભ હાલમાં ટ્રમ્પ ઉઠાવી રહયા છે. હાઉડી મોદી કાર્યક્રમ યોજી ટ્રમ્પે એનઆરઆઈના મત મેળવવાનો પ્રયાસ કર્યાં બાદ તેમણે મોદીના ભરપુર વખાણ કર્યાં હતાં એટલું જ નહીં પરંતુ હાલમાં પણ ભારતીય રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી મજબુત નેતા તરીકે દર્શાવવામાં આવી રહયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ મોદીના નામે મત માંગી રહયા છે ત્યારે એનઆરઆઈના મત તેમને જ મળવાનો આશાવાદ સેવી રહયા છે.
અમેરિકાની ચૂંટણીમાં મોદી છવાઈ જતાં રશિયા સહિતના દેશો પણ સતર્ક બન્યા છે અને ટ્રમ્પને હરાવવા માટે પ્રરોક્ષ રીતે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જેના પરિણામે ચૂંટણી ખૂબજ રસાકસીભરી બની ગઈ છે. આ દરમિયાનમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા હતાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રચાર કરવા માટે અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ યોજયો હતો જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહયા હતાં આ કાર્યક્રમ થકી અમેરિકામાં વસતા એનઆરઆઈને સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ગાઢ મિત્રતાના કારણે હાલમાં અમેરિકાના ચૂંટણી પ્રચારમાં પણ ઠેરઠેર મોદીના પોસ્ટરો લાગી રહયા છે આવુ ઈતિહાસમાં સૌ પ્રથમવાર બન્યું છે. મોદીની લોકપ્રિયતાના કારણે ડોનાલ્ડ ટ્રમ્પને ભારતની મુલાકાત લેવા મજબુર બનવું પડયુ હતું અને મોદીને અમેરિકા પણ બોલાવવા પડયા હતાં. આમ મોદી એકમાત્ર નેતા એવા છે કે જેમણે અમેરિકાની ચૂંટણીમાં પ્રચાર કર્યો છે. વિવાદાસ્પદ નિર્ણયોના કારણે ચર્ચામાં રહેતા ટ્રમ્પને હરાવવા ડેમોક્રેટ પાર્ટી પણ ખૂબજ સતર્ક બની ગઈ છે. ડેમોક્રેટના ઉમેદવાર બાયડને પણ તેમના નાયબ તરીકે ભારતીય મુળના મહિલા કમલા હારિસને પસંદ કર્યાં છે અને હાલમાં કમલા હારિસ ડેમોક્રેટ પાર્ટી વતી અસરકારક પ્રચાર કરી રહયા છે જેથી ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો થઈ રહયો છે.
રસાકસીભરી ચૂંટણીમાં હવે ટ્રમ્પ માત્ર મોદી કાર્ડ ચલાવી રહયા છે અને દર બે ત્રણ દિવસે મોદીના વખાણ કરતા નિવેદનો કરવા લાગ્યા છે એટલું જ નહી પરંતુ એનઆરઆઈની બહુમતી વાળા વિસ્તારોમાં પણ તેઓ પ્રચાર કરી રહયા છે. અમેરિકાની ચૂંટણી અંગે નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હાલમાં બંને પક્ષો વચ્ચે ખૂબ જ રસાકસીભર્યો જંગ ચાલી રહયો છે હાલની પરિસ્થિતિ જાેતા કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે ચૂંટણી પૂર્વેના હાલના દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે અમેરિકન લશ્કર ચીન સામે મોરચો માંડીને બેઠું છે ટ્રમ્પ પાસે મોદી મુખ્ય કાર્ડ છે અને ત્યારબાદ ચીન સામે લશ્કરી કાર્યવાહીનો મુદ્દો પણ મહત્વપૂર્ણ છે. આ બંને મુદ્દાઓમાંથી મોદી કાર્ડનો તેમણે ભરપુર ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો છે અને હવે ચીન સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ખાડી દેશોમાં પણ કેટલાક મહત્વપૂર્ણ કાર્યો કર્યાં છે જેના પરિણામે ટ્રમ્પ હવે તેને પણ મુદ્દો બનાવી રહયા છે.
અમેરિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર બાયડન અને રિપબ્લીકન પાર્ટીના ઉમેદવાર અને હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવાનો છે જાેકે અમેરિકાની ચૂંટણી પર કેટલાક દેશોનું ભાવિ ઘડાતું હોય છે જયારે કેટલાક દેશો અમેરિકાની ચૂંટણીમાં પરોક્ષ રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે. હાલની ચૂંટણીમાં પણ આવી જ પરિસ્થિતિ જાેવા મળી રહી છે. ચૂંટણીપૂર્વે અમેરિકામાં ફરી એક વખત તોફાનો થઈ રહયા છે અને તેને પણ રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહયો છે. આ તમામ પાસાઓ પરથી સ્પષ્ટ લાગી રહયું છે કે અમેરિકાની ચૂંટણી ખુબ જ રસાકસી ભરી બનશે. પરંતુ ભારતને કોઈ પણ ઉમેદવાર જીતે તેમાં ફાયદો જ છે.
ડેમોક્રેટના ઉમેદવાર બાયડનના નાયબ તરીકે ભારતીય મુળના મહિલા કમલા હારિસે પણ ભારતની પડખે ઉભા રહેવાની જાહેરાત કરેલી છે. અમેરિકાની ચૂંટણીમાં પરિણામ કોના પક્ષમાં આવે છે તે ભારતને અસરકર્તા નથી પરંતુ એક વાત સ્પષ્ટ બની ગઈ છે કે અમેરિકામાં વસતા ભારતીયો અમેરિકાના અર્થતંત્ર મજબુત કરવા ખૂબ જ મહત્વપૂર્ણ ભુમિકા ભજવી રહયા છે. આ ઉપરાંત અમેરિકાના અનેક સ્થાનો પર હાલ ભારતીયો કામ કરી રહયા છે. અમેરિકામાં ભારતીયોની વધતી વસ્તીના કારણે આગામી ચૂંટણીઓમાં બિનનિવાસી ભારતીય નાગરિકો અને ભારતીય નેતાઓ અમેરિકાની ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવું નિષ્ણાંતો માની રહયા છે.