૨૪ વિદ્યાર્થીઓએ ૧૦૦ પર્સન્ટાઈલ મેળવી લીધા
નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા શુક્રવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવેલા ફાઈનલ મેરિટ લિસ્ટ પ્રમાણે, એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આ વર્ષે લેવાયેલા જેઈઈના પેપર ૧માં ૨૪ ઉમેદવારોએ ૧૦૦ પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં લેવામાં આવેલી પરીક્ષામાં ઉમેદવારોના પર્ફોર્મન્સ પર આધારિત છે.
ટોપ ૨૪માંથી ૮ ઉમેદવારો તેલંગાણાના છે, જ્યારે પાંચ દિલ્હીના, ચાર રાજસ્થાનના, ત્રણ આંધ્રપ્રદેશના, ૨ હરિયાણાના અને એક-એક ગુજરાત તેમજ મહારાષ્ટ્રના છે. જેઈઈ જાન્યુઆરીમાં અને ૧થી ૬ સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવી હતી, મહામારીના કારણે બીજો રાઉન્ડ બેવાર મુલતવી રાખવામાં આવ્યો હતો. પેપર ૧ આઈઆઈટીના બીટીચ-બીઈ પ્રોગ્રામ, એનઆઈટી અને સેન્ટ્રલી-ફંડેડ ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂશન્સમાં એડમિશન લેવા માટે હોય છે. જ્યારે પેપર-૨ બી અર્ચમાં કોર્સિસમાં એડમિશન લેવા માટે હોય છે,
જેનું પરિણામ હજુ જાહેર થવાનું બાકી છે. જેઈઈ પેપર-૧ અને પેપર-૨ના પરિણામના આધારે, ટોપ ૨.૪૫ લાખ ઉમેદવારો ૨૩ પ્રીમિયર ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ માટે જેઈઈ (એડવાન્સ)માં ઉમેદવારી નોંધાવી શકશે. જેઈઈ (એડવાન્સ) ૨૭ સપ્ટેમ્બરે લેવામાં આવશે. કોવિડ-૧૯ મહામારીના કારણે સુરક્ષાના પગલા વચ્ચે પરીક્ષાનો બીજો રાઉન્ડ લેવામાં આવ્યો હતો.
આ પગલામાં ઉમેદવારો પાસે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું, માસ્ક અને સેનિટાઈઝરની વહેંચણી અને કાઉન્ટર્સ પર ડોક્યુમેન્ટ્સનું કોન્ટેક્સ-લેસ વેરિફિકેશનનો સમાવેશ થાય છે. રૂમ દીઠ ઓછા ઉમેદવારોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હોવાથી પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારી દેવામાં આવી હતી. જેઈઈ (મેઈન) અને નીટને સ્થગિત કરવા માટે ઘણા લોકોએ માગણી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ બધી અરજીઓને તેમ કહીને ફગાવી દીધી કે વિદ્યાર્થીઓનું એક વર્ષ બગાડી શકાય નહીં.