પતિએ પત્નીને ફટકારતા હોસ્પિટલમાં દાખલ કરાઈ
અમદાવાદ- પતિ મોડા આવતા પત્નીએ પુચ્છા કરી હતી કે, કેમ મોડુ થયું, મારો ફોન કેમ નથી ઉપાડતા. પત્નીની આવી વાત સાંભળી પતિ ઉશ્કેરાયો હતો અને તેને ફટકારી હતી. જેથી પત્નીને સારવાર માટે એલજી હોસ્પિટલમાં જવું પડ્યું હતું. જેથી આ મામલે પત્નીએ પતિ, સાસુ-સસરા સામે ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી યુવતીએ તેના જ વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પતિ સાથે સાસરીમાં રહેવા ગઇ હતી પરંતુ સાસરીયાએ રાખવાનો ઇન્કાર કરતા તે ભાડાના મકાનમાં પતિ સાથે રહેતી હતી.
ચાર મહિના પતિ સાથે રહ્યાં બાદ યુવતીની માતાને ફેક્ચર થતા તે પિયર ગઇ હતી. આ દરમિયાન સાસુ-સસરા સહિતના લોકોએ પતિની ચઢામણી કરી હતી. જેથી યુવતિ પિયર હતી ત્યારે પતિએ તેને જાણ કર્યા વગર મકાન ખાલી કરી દીધુ હતુ અને તમામ વસ્તુ લઇ માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો હતો. ત્યારબાદ યુવતી ફરી પતિ સાથે રહેવા આવી હતી. ત્યારે સાસુ-સસરા નીચેના માળે રહેતા અને યુવતી પતિ સાથે ઉપરના માળે રહેતી હતી.
યુવતી બીમાર પડતા તેની સારવાર કરાવાની જગ્યાએ સાસુ સસરાએ મારામારી કરી કહ્યું હતું કે, તું કાયમ બીમાર જ રહે છે તારુ અહીંયા કોઇ જ કામ નથી તેમ કહી કાઢી મુકી હતી. જેથી યુવતી પિયર રહેતી હતી. યુવતી સ્વસ્થ થતા પતિ તેને ફરી સાસરીએ લઇ આવ્યો હતો અને તે પરત સાસરે ગઇ હતી. ત્યારે પતિ સહિતના લોકો ત્રાસ આપતા હતા અને મારા મારી કરતા પાસડીમાં ઇજા થઇ હતી. જેથી આ મામલે તેણે મહિલા પોલીસ મથકમાં અરજી કરી હતી. પરંતુ ઘર સંસાર ન બગડે તે માટે સમાધાન કરી લીધુ હતુ અને પરત રહેવા લાગી હતી.