યુવા નેતા રાદડિયાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
ગાંધીનગર: ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોના સંક્રમણનાં આંકડામાં વધારો થઇ રહ્યો છે. આ સાથે જ્યારથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ગુજરાતનો પ્રવાસ અને રેલી કરીને આવ્યાં છે ત્યારથી ગુજરાત ભાજપનાં નેતાઓ અને કાર્યકર્તાઓ પણ કોરોના સંક્રમણનાં ભરડામાં ધીરે ધીરે આવી રહ્યાં છે. ત્યારે યુવા નેતા અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાદડિયાનાં પીએ વિપુલ બાલઘાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ ઉપરાંત જામનગરનાં ધારાસભ્ય રાઘવજી પટેલનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ટિ્વટ કરીને પોતે કોરોના સંક્રમિત થયાની જાણકારી આપી છે.
જયેશ રાદડિયાએ ટિ્વટ કરતા જણાવ્યું કે, મને કોરોના વાયરસના સામાન્ય લક્ષણો જણાતા આજે સ્વેચ્છાએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. મારા કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ હું હોમ ક્વોરન્ટાઈન થયેલો છું અને મારી તબિયત સારી છે.
છેલ્લા અઠવાડિયામા મારા સંપર્કમા આવેલ લોકોએ સ્વેચ્છાએ કોરોના ટેસ્ટ કરાવવા વિનંતી.
આ ઉપરાંત જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા છે. ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, જયેશ રાદડિયાના પીએ વિપુલ બાલધાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે રેલી અને સભામાં રાદડિયા પણ હાજર હતા. મહત્વનું છે કે, હાલમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની કોરોનાની સારવાર અપોલો હોસ્પિટલમાં ચાલી રહી છે.