Western Times News

Gujarati News

અતુલ કંપની ખાતે ટેન્‍કરમાંથી ઓલીયમ ગેસ લીકેજ થતા અફડાતફડી મચી

ઇમરજન્‍સી સમયે લેવાના થતા પગલાંની જાણકારી માટે ઔદ્યોગિક ઓફસાઇડ મોકડ્રીલ યોજાયું

માહિતી બ્‍યૂરોઃ વલસાડઃ વલસાડ જિલ્લાની અતુલ કંપનીમાંથી લઇ ટ્રક દ્વારા ઓલીયમ ગેસ ભરેલા ટેન્‍કરને લઇ જતી વખતે તેના વાલ્‍વમાંથી ગેસ લીકેજની ઘટના સર્જાઇ હતી. લીકેજની જાણ થતાં જ અતુલ કંપની દ્વારા પ્રાથમિક પગલાં લઇ ઇમરજન્‍સી જાહેર કરી ઘટના સ્‍થળ તરફ જતા રસ્‍તાઓ ઉપર અવર-જવર બંધ કરવા ઉપરાંત ગેસની અસર ઓછી કરવા માટે પાણીના ફુવારા શરૂ કરાયા હતા. આ ઘટનામાં બે લોકોને ગેસની વધુ અસર થવા પામી હતી. જેમાં એક વ્‍યકિતને વધુ અસર જણાતા વલસાડની કસ્‍તુરબા હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યો હતો.

અન્‍ય ૧૨થી ૧૫ જણામાં સામાન્‍ય અસરો જણાતાં તેમને સલામત સ્‍થળે લઇ જઇ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ડીઝાસ્‍ટર ટીમ દ્વારા તુરંત પગલાં લઇ ટેન્‍કરમાંથી થતા ગેસ લીકેજ સ્‍થળે અન્‍ય ખાલી ટેન્‍કર લાવી ગેસને તેમાં ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યો હતો. લીકેજ ટેન્‍કરમાંથી સંપૂર્ણ ગેસ ટ્રાન્‍સફર થઇ ગયા અંગે કન્‍ફર્મ થયા બાદ પરિસ્‍થિતિ કંટ્રોલમાં આવી હોવાનું જાહેર કરાયું હતું.

આ ઘટનાની ગંભીરતાની જાણ સાયરન દ્વારા થતાં આજુબાજુના વિસ્‍તારોના લોકોમાં ગભરાહટ ફેલાઇ હતી. રહેઠાણ અને પોસ્‍ટ ઓફિસ વિસ્‍તારના ૩૫ જણાને સલામત સ્‍થળે ખસેડાયા હતા. જનજાગૃતિના ભાગરૂપે ગામના સરપંચને ટેલીફોનીક જાણકારી આપતાં મોકડ્રીલ હોવાની જાણ થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.

જયારે કોઇ ટેન્‍કરમાંથી ગેસ ગળતરની ઘટના બને ત્‍યારે સર્જાતી ડિઝાસ્‍ટરની સ્‍થિતિને કેવી રીતે પહોંચી શકાય તે માટેનું આબેહૂબ મોકડ્રીલ કરવામાં આવ્‍યું હતું. વલસાડ જિલ્લામાં રસાયણ ઔદ્યોગિક મોક એકસરસાઇઝ અતુલ કંપની ખાતેથી પસાર થતા ટેન્‍કરમાંથી ઓલીયમ લીકેજનો આબેહૂબ સિનારીયો ઊભો કરવામાં આવ્‍યો હતો.

મોકડ્રીલના અંતે મળેલી રીવ્‍યુ બેઠકમાં ઔદ્યોગિક સલામતી અન સ્‍વાસ્‍થ્‍ય વિભાગના મદદનીશ નિયામક જે.જે.ચૌહાણે જણાવ્‍યું હતું કે, મેજર એકસીડન્‍ડ હેઝાર્ડ કંપનીઓમાં જે સુરક્ષા સાધનો છે, તેની ચકાસણી ઉપરાંત જ્‍યારે ઇમરજન્‍સી સર્જાય ત્‍યારે શું પગલાં લેવા જોઇએ અને તે સમયે રાખવી પડતી કાળજીની જાણકારી માટે રીહર્સલ યોજવામાં આવે છે.

મોકડ્રીલ ઓબ્‍ઝર્વર રવિન્‍દ્ર આહિર મોકડ્રીલ દરમિયાન થયેલી ભૂલોમાંથી શીખ મેળવી સાચી ઘટના બને ત્‍યારે તે ભૂલો ન થાય તે બાબતે ખાસ કાળજી રાખવા પણ જણાવ્‍યું હતું. મેડીકલ ટીમ, ઇમરજન્‍સી વ્‍હીકલ, ટેન્‍કરની વ્‍યવસ્‍થા, ઇકવીપમેન્‍ટ પરફોર્મન્‍સ, ઇમરજન્‍સી કીટનો ઉપયોગ માર્ગદર્શિકા પ્રમાણે કરી સફળતાપૂર્વક મોકડ્રીલ પાર પાડવા બદલ અધિકારી અને કર્મચારીઓને અભિનંદન આપ્‍યા હતા.

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇસીસ ગ્રૂપ-અતુલ, ક્રાઇસીસ ગ્રૂપના અધ્‍યક્ષ અને પ્રાંત અધિકારી તેમજ ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગના ઉપક્રમે ઓફસાઇટ પ્‍લાન અંગેનું રીહર્સલ યોજાયું હતું. આ પ્રસંગે ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍યના આર.બી.મકવાણા, જી.પી.સી.બી.ના એસ.એસ.ઓ. એમ.એમ.ગામીત, ડિઝાસ્‍ટર મામલતદાર, સહિત કંપનીના હોદ્દેદારો, અમલીકરણ અધિકારીઓ, અતુલ કંપનીના સ્‍ટાફ વગેરે હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.