મહિલાઓની સુરક્ષા માટે સરકાર પ્રયત્નશીલ : ગૃહ રાજ્યમંત્રી
સુરક્ષા સેતુ યોજના હેઠળ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૧.૩૩ લાખથી વધુ મહિલાઓને કરાટેની બેઝિક અને
૨૭ હજારથી વધુ મહિલાઓને એડવાન્સ તાલીમ અપાઇ
સુરક્ષા સેતુ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૧.૩૩ લાખથી વધુ મહિલાઓને કરાટેની બેઝિક તાલીમ અને ૨૭ હજારથી વધુ મહિલાઓને એડવાન્સ તાલીમ આપવામાં આવી હોવાનું ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
મહિલાઓને સ્વરક્ષણ માટે મહત્વની સુરક્ષા સેતુ યોજના અંગે ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, મહિલાઓને સ્વ-રક્ષણ માટે ૧૫ દિવસની કરાટેની બેઝિક તાલીમ અને ૩૦ દિવસની એડવાન્સ તાલીમ આપવામાં આવે છે. એપ્રિલ – ૨૦૧૯ સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ૬,૮૪૯ મહિલાઓની કરાટેની બેઝિક તાલીમ અને ૩૨૦ મહિલાઓને એડવાન્સ તાલીમ એમ કુલ ૭,૧૬૯ મહિલાઓને સ્વ-રક્ષણ માટે તાલીમ આપવામાં આવી છે.
મહિલાઓની સુરક્ષા અને સલામતી તથા સશક્તિકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનો ઉલ્લેખ કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે મહિલાઓમાં સ્વરક્ષણ માટે જાગૃતિ આવે તે માટે જિલ્લા, તાલુકા મથકો તથા અંતરિયાળ વિસ્તારોમાં સુરક્ષા સેતુ રથ ફેરવવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં સુરક્ષા રથ ફેરવીને ૩,૨૦૦ જેટલા મહિલા જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હોવાનું ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.