ભરૂચ નગર પાલિકાની ઓનલાઈન હાઉસટેક્ષ ભરવાની સુવિધા ખોરંભે ચઢતા લોકોના પાલિકા ઉપર મેળાવડા
હાઉસટેક્ષ વિભાગ તથા પાલિકાના પ્રવેશદ્વાર નજીક સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા : સેનિટાઈઝર શોભાના ગાંઠિયા સમાન
વિરલ રાણા દ્વારા) ભરૂચ, હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે.જેના પગલે સરકારે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી રહી છે.તો બીજી તરફ ભરૂચ જીલ્લા માં કોરોના પોઝીટીવ દર્દીઓ માં સતત વધારો થઈ રહ્યો છે.જે પગલે કોરોનાના સંક્રમણનો ભોગ ભરૂચ નગર પાલિકાના અનેક કર્મચારીઓ અને આધિકારીઓ બન્યા છે અને કેટલાક સારવાર દરમ્યાન મોતને પણ ભેટ્યા છે.તેમ છતાં પણ ભરૂચ નગર પાલિકામાં સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે.
ત્યારે ઓનલાઈન હાઉસટેક્ષભરવાની સુવિધા ખોરંભે ચઢતા લોકો હાઉસટેક્ષ વિભાગમાં વેરો ભરવા આવતા સોશ્યલ ડીસન્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો હતો. તો પાલિકા કચેરી માં આવતા અરજદારોનો પ્રવેશદ્વાર નજીક સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે.ત્યારે ભરૂચ નગર પાલિકા માંથી જ લોકો સંક્રમિત થાય તેવો ભય લોકોને સતાવી રહ્યો છે.
ભરૂચ નગર પાલિકા દ્વારા હાઉસટેક્ષ ભરવા માટે મિલ્કત ધારકોના ઘરે પહોંચ પહોંચતાની સાથે જ લોકોએ હાઉસટેક્ષ ભરવાની શરૂઆત કરતા જ પાલિકાની ઓનલાઈન સુવિધા ખોરંભે ચઢી હોવાના કારણે લોકોએ હાઉસટેક્ષ ભરવા પાલિકા કચેરી ઉપર ભારે ડોટ મૂકી છે.ત્યારે ભરૂચ નગર પાલિકાના હાઉસટેક્ષ વિભાગમાં હાઉસટેક્ષ ભરવા આવેલા લોકોએ ઓફિસ નાની હોવાના કારણે કતાર માં લગોલગ ઉભા રહીને પોતાના હાઉસટેક્ષ ભરવા મજબુર બન્યા હતા.
ત્યારે ભરૂચ નગર પાલિકાના હાઉસટેક્ષ વિભાગમાં જ લોકો લાંબી કતાર જમાવી રહ્યા છે જેના કારણે લોકોને કોરોના સંક્રમણનો ભય સતાવી રહ્યો છે.તો હાઉસટેક્ષ વિભાગની ઓફિસ નજીક જ મરેલા જાનવરોની કચરાની ગાડી ઉભી રહેતી હોવાના કારણે અત્યંત દુર્ગંધ થી હાઉસટેક્ષ ભરવા આવતા લોકોમાં ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે.ત્યારે ભરૂચ નગર પાલિકાની બેદરકારીના કારણે કોઈ કોરોના સંક્રમિતનો ભોગ બને તો જવાબદાર કોણ?ભરૂચ નગર પાલિકા દ્વારા હાઉસટેક્ષ ભરવા માટે અન્ય કાઉન્ટરો શરૂ કરે તેવી પણ માંગ લોકો ઉઠાવી રહ્યા છે.