Western Times News

Gujarati News

રાજ્યના ૩પ લાખથી વધુ MSME એકમોને ગ્લોબલ MSME મેપ પર સ્પર્ધામાં સહાય મળશે

ભારત સરકારની SIDBI અને ગુજરાતના ઊદ્યોગ વિભાગ વચ્ચે થયા મહત્વપૂર્ણ MoU

ગુજરાતના ૩પ લાખથી વધુ MSME ઊદ્યોગોને આત્મનિર્ભરતા તેમજ કેપેસિટી બિલ્ડીંગ અને માર્કેટ સપોર્ટ સહિતના ક્ષેત્રોમાં ભારત સરકારની સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડીયા SIDBIનો સક્રિય સહયોગ અને માર્ગદર્શન મળતાં થશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં આ અંગેના MoU ગુજરાત સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગ તથા SIDBI વચ્ચે ગાંધીનગરમાં સંપન્ન થયા છે.  મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ ખાણના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ તથા SIDBIના ડી.એમ.ડી. શ્રી વસંત સત્યવૈંકટરાવે આ MoU પર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ હસ્તાક્ષર કર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં જાહેર કરેલી નવી ઊદ્યોગ નીતિ-ર૦ર૦ અન્વયે MSME માટે વિવિધ પ્રોત્સાહન સહાય યોજનાઓ જાહેર કરવામાં આવેલી છે. મુખ્યમંત્રીશ્રી રાજ્યના ઊદ્યોગ-વેપાર ક્ષેત્રની કરોડરજ્જુ-બેકબોર્ન સમાન MSME સેકટરને સતત પ્રોત્સાહન આપી વિશ્વમાં રાજ્યના MSMEને આર્થિક સદ્ધરતા આપવા  પ્રતિબદ્ધ છે.  એટલું જ નહિ, આવા MSME ઊદ્યોગોને કેપિટલ સબસિડી, વ્યાજ સહાય સબસિડી, પેટન્ટ સહાય, ટેકનોલોજી એકવીઝેશન જેવા પ્રોત્સાહનોથી ગ્લોબલ માર્કેટ સ્પર્ધામાં ટકી રહેવા સક્ષમ બનાવવાનો પણ મુખ્યમંત્રીશ્રીનો ધ્યેય રહ્યો છે.

આ સંદર્ભમાં SIDBI સાથે થયેલા આ MoUથી રાજ્યના MSME એકમો માટે ટ્રેનિંગ તથા કેપેસિટી બિલ્ડીંગના કાર્યક્રમો દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર, ઇનોવેશનને વેગ મળશે. SIDBI દ્વારા રાજ્યના MSME કલસ્ટર્સ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ અને કોમન ફેસેલિટી સેન્ટર્સની સંભાવના ચકાસવા સાથે તેનું મૂલ્યાંકન પણ કરાશે.

ભારત સરકારની આ SIDBI બેન્ક રાજ્યના નાના ઊદ્યોગોને પ્રવર્તમાન કોવિડ-19ની સ્થિતીમાંથી સક્ષમતાથી બેઠા થવામાં મદદરૂપ થશે.  એટલું જ નહિ, રાજ્યમાં MSME ક્ષેત્રની યોજનાઓ, પ્રોજેકટસ તથા પહેલરૂપ બાબતોના પ્રવર્તમાન માળખાનો અભ્યાસ કરીને તેની વ્યાપકતા, અસરકારકતા વધારવાના સૂચનો પણ રાજ્ય સરકારને SIDBI કરશે. MSME એકમોને વિશ્વના પ્રવાહો સાથે કદમ મિલાવવા સજ્જ કરવા ડિઝીટલ પ્લેટફોર્મ પુરૂં પાડવા હેન્ડહોલ્ડીંગમાં પણ SIDBI સહાયક બનવાની છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં મહત્તમ રોજગારી આપતા MSME એકમોને કોરોનાની સ્થિતીમાંથી પૂર્વવત ધમધમતા કરવામાં આ MoU અત્યંત ફળદાયી નિવડશે તેવો વિશ્વાસ આ વેળાએ વ્યકત કર્યો હતો.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રીશ્રીએ કોવિડ-19ની સ્થિતીમાં MSMEને સહાયરૂપ થવા માટે આત્મનિર્ભર પેકેજ જાહેર કરીને MSME એકમોને રૂ. ૭૬૮ કરોડની વિવિધ સહાય આપી બેઠા કરવાનો સંવેદનશીલ અભિગમ દર્શાવ્યો છે.        આવા MSME એકમોને નાણાંકીય તકલીફથી મુકત કરવા ભારત સરકારના આત્મનિર્ભર પેકેજ અન્વયે ઇમરજન્સી ક્રેડીટ લીંક ગેરન્ટી સ્કીમમાં અત્યાર સુધીમાં રાજ્યના ર,૧૧,પ૩ર MSME એકમોને રૂ. ૧૦,પ૬,ર૬૮ લાખની લોન મંજૂર કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ આ યોજના અન્વયે રૂ. પ૦ હજાર સુધીની લોન પર બેન્કો દ્વારા લેવામાં આવતી સ્ટેમ્પ ડયુટી માફ કરવાનો ઉદાત્ત અભિગમ દર્શાવ્યો છે.  MSMEના સર્વગ્રાહી વિકાસથી રાજ્યના નાના-મધ્યમ ઊદ્યોગોને વર્લ્ડ માર્કેટમાં સ્પર્ધા કરવામાં SIDBI સાથેના MoU તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ MSME માટે આપેલા પ્રોત્સાહનો નવી ચેતના આપનારા બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.