એક ફોન કરજો, ક્રિકેટ માટે ગમે ત્યાં આવીશ : શ્રીસંત
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ફાસ્ટ શ્રીસંતે કહ્યું છે કે એક ફોન કરજો, ક્રિકેટ રમવા માટે કયાંય પણ આવી જઈશ. હાલમાં જ સાત વર્ષ સુધી પ્રતિબંધ સમાપ્ત થયા બાદ તેમણે આ મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે ‘હું ઓસ્ટ્રેલીયા,શ્રીલંકા અને ન્યુઝીલેન્ડના એજન્ટો સાથે વાત કરી રહ્યો છું કારણ કે હું આ બધા દેશોમાં ક્લબ ક્રિકેટ રમવા માંગુ છું. મારું લક્ષ્ય ૨૦૨૩ વર્લ્ડ કપમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું છે. નોંધનીય છે કે ફાસ્ટ બોલર પર પહેલા અતિ ગંભીર આરોપ લાગ્યા હતા.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્ષ ૨૦૧૩માં શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો કારણ કે તે આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ કરતા પકડાયા હતા. વર્ષ ૨૦૧૫માં વિશેષ અદાલતે આ બધા આરોપોથી તેમને છૂટા કરી દીધા. વર્ષ ૨૦૧૮માં કેરળ હાઈકોર્ટે શ્રેસંત પર લગાવેલા આજીવન પ્રતિબંધને હટાવી દીધો અને જોકે તે બાદ હાઈકોર્ટની ડીવીઝન બેંચ દ્વારા ફરીથી પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો. આ આદેશ બાદ શ્રીસંત સર્વોચ્ચ અદાલત પહોંચી ગયા અને જે બાદ બીસીસીઆઈને પ્રતિબંધની સમયસીમા ઘટાડવા કહેવામાં આવ્યું.
જે બાદ ક્રિકેટ બોર્ડે પ્રતિબંધ આજીવનને બદલે સાત વર્ષનો કર્યો જે આ મહિનાની ૧૨મી તારીખે સમાપ્ત થયો છે. ૩૭ વર્ષના શ્રીસંતે ૨૭ ટેસ્ટ, ૫૩ વન દે અને ૧૦ ટી ૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં ક્રમશ ૮૭, ૭૫ અને ૭ વિકેટ ઝડપી. નોંધનીય છે કે શ્રીસંત પર પ્રતિબંધ સમાપ્ત થવા પર તેમની પત્નીએ ટિ્વટર પર પ્રતિક્રિયા આપી, તેમણે કહ્યું કે ત્રણ વસ્તુઓ લાંબા સમયથી છુપાવી શકાય નહીં, સૂર્ય, ચંદ્ર અને સત્ય. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૩માં માનવામાં આવી રહ્યું હતું કે શ્રીસંત વાપસી કરવાના જ છે અને ત્યાં તેમના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. એ વર્ષે જાન્યુઆરીમાં શ્રીસંત ભારત એ ટીમ તરફથી ઇંગ્લેન્ડ સામે રમ્યા હતા, શ્રીસંતે જ્યાં ઘરેલુ ક્રિકેટમાં વાપસીની પુષ્ટિ કરી છે ત્યાં રાષ્ટ્રીય ટીમમાં તો તે પાછા આવે તેની સંભાવના ઓછી છે.