કલેકટર કચેરીમાં ફરજ નિભાવતા ૧૦થી વધુ લોકોને એક જ ઈકો ગાડીમાંથી લવાતા હોવાનો વિડીયો વાયરલ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચની સરકારી કચેરીઓમાં સોશ્યલ ડીસ્ટન્સનના ધજાગરા ઉડતા હોવાના અનેક કિસ્સાઓએ મીડિયાએ પ્રકાશિત કર્યા છે.તેમ છતાં પણ કોરોના અંગે સરકારી કચેરીઓમાં જ સરકારની ગાઈડ લાઈનનું પાલન થતું નથી જેના કારણે કોરોના હવે સરકારી કચેરીઓ માં સક્રિય બન્યો છે.નાયબ મામલતદાર કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ પણ કલેકટર કચેરીના સ્ટાફકર્મીઓને ઈકો ગાડીમાં ગીચોગીચ બેસાડીને લાવવામાં આવી રહ્યા હોવાના વિડીયો મીડિયાએ કેદ કર્યા છે.ત્યારે માત્ર કાયદા નું પાલન પ્રજાએ કરવાનું તે સ્પષ્ટ થઈ રહ્યું છે.
ભરૂચની મામલતદાર કચેરીના પ્રવેશદ્વાર નજીક અરજદારોની લાંબી કતારો જામતી હોવાની ઘટનાઓ અનેક વાર મીડિયાએ પ્રકાશિત કરી હતી.છતાં પણ મામલતદાર કચેરીમાં સોશ્યલ ડીસ્ટન્સન જળવાતું ન હતું.જેના પગલે મામલતદાર કચેરીના નાયબ મામલતદાર કોરોનાની ઝપેટમાં આવી ગયા હશે.ત્યારે જીલ્લા વહીવટી તંત્રએ મીડિયામાં પ્રકાશિત થતા અહેવાલોની નોંધ લેવાની જરૂર છે.સરકારી કચેરીઓના જ અધિકારીઓ અને કર્મચારીઓ સરકારની ગાઈડલાઈનનું પાલન કરતા નથી તો પ્રજા કયાંથી કરે તેવા સવાલો ઉભા થયા છે.
ત્યારે તારીખ ૧૬ મી સપ્ટેમ્બરના રોજ ભરૂચ કલેકટર કચેરીનો સ્ટાફ એક જ ઈકો ગાડીમાં ગીચોગીચ બેસીને કલેકટર કચેરીમાં આવતા લોકોને કચેરી સંકુલમાં ઉતારવામાં આવી રહ્યા હતા.તે દરમ્યાન મીડિયાએ ગાડી માંથી ઉતરી રહેલા કર્મીઓનો વિડીયો કેદ કર્યો હતો.જેમાં ઈકો ગાડીમાં ૭ મુસાફરોની બેઠક વાળી ગાડીમાં ૧૦થી વધુ લોકોને ગીચોગીચ બેસાડી લાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.ત્યારે આમાંથી કોઈ એક વ્યક્તિ કોરોના સંક્રમિત હોય તો તે અન્ય કેટલા લોકોને ભોગ બનાવી શકે તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
ત્યારે ભરૂચ જીલ્લા વહીવટી તંત્રએ મીડિયાના અહેવાલોની નોંધ લેવાની જરૂર છે.તો કેટલાક ખાનગી વાહનો ઉપર સરકારી કામકાજ માટે વાહનો નો ઉપયોગ કરાતો હોવાના કારણે આવા વાહન ચાલકોને પોલીસ ઈ-મેમો ચલણ આપી શકતી નથી.ત્યારે પોલીસે પણ કાયદાનું પાલન તમામ લોકો માટે એક સમાન કરાવાની જરૂર છે.