બાબરી વિધ્વંસ કેસ: અડવાણી, ઉમા સહિત 32 આરોપીઓને કોર્ટનું 30મીએ હાજર રહેવા ફરમાન
લખનૌ, બાબરી વિધ્વંસ મામલે લખનૌમાં CBIની સ્પેશ્યલ કોર્ટે આગામી 30મી સપ્ટેમ્બરે નિર્ણય સંભળાવશે. કોર્ટે આ મામલે તમામ 32 મુખ્ય આરોપીઓને આ દિવસે સુનવણીમાં સામેલ થવા કહ્યું છે. તેમાં ભાજપના સિનિયર નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોષી અને કલ્યાણ સિંહ પણ સામેલ છે. આ કેસમાં સ્પેશ્યલ CBI જજ એસકે યાદવ નિર્ણય સંભળાવશે. આ અગાઉ સ્પેશ્યલ જજે 22 ઓગસ્ટના ટ્રાયલ સ્ટેટ્સ રિપોર્ટ જોયા બાદ કેસની સુનવણી પૂર્ણ કરવાની સમય મર્યાદાને એક મહિનો વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી હતી. કોર્ટે ટ્રાયલ પૂર્ણ કરવા માટે 31 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો. આ મામલે બે સપ્ટેમ્બરથી નિર્ણય લખાવવાનો શરૂ કરવાનો હતો.
સુનવણી દરમિયાન સિનિયર વકિલ મૃદલ રાકેશ, આઈબી સિંહ અને મહિપાલ આહુલિવાલિયાએ આરોપીઓ તરફથી મૌખિક દલીલો રજુ કરી. આ પહેલાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કે બચાવ પક્ષ પોતાનો લેખિત જવાબ દાખલ નથી કરી રહ્યો. સ્પેશ્યલ જજે બચાવ પક્ષના વકિલને કહ્યું હતું કે, જો તેઓ મૌખિક કંઈ કહેવા માંગે છે તો 1 સપ્ટેમ્બર સુધીમાં કહી શકે છે નહીતર તેમની તકો પૂર્ણ થઈ જશે.
જે બાદ સીબીઆઈના વકિલ લલિત સિંહ, આરકે યાદવ અને પી. ચક્રવર્તિએ પણ મૌખિક દલીલો આપી હતી. સીબીઆઈ સુનવણી દરમિયાન આરોપીઓ વિરુદ્ધ 351 સાક્ષીઓ અને લગભગ 600 દસ્તાવેજો રજૂ કરી ચુકી છે. કોર્ટને નિર્ણય કરવામાં સીબીઆઈ પુરાવા અને દસ્તાવેજો પર ધ્યાન આપવાનું છે. એજન્સી પહેલા જ 400 પાનાની લેખિત ચર્ચા દાખલ કરી ચુકી છે. ઉલ્લેખનિય છે કે, બાબરી મસ્જીદને કારસેવકોએ ડિસેમ્બર 1992માં ધ્વંસ કરી હતી. તેમનો દાવો હતો કે અયોધ્યામાં આ મસ્જિદ ભગવાન રામના ઐતિહાસિક રામમંદિરના સ્થાને બનાવવામાં આવી હતી. બાબરી વિધ્વંસ મામલે કોર્ટનો નિર્ણય 28 વર્ષ બાદ આવ રહ્યો છે.