રાજસ્થાનઃ કોટાની ચંબલ નદીમાં બોટ પલટી જતાં 11નાં મોત
કોટા, રાજસ્થાનના કોટા જિલ્લાના ખાતૌલી વિસ્તારમાં બુધવારે એક કરૂણ દુર્ઘટનાથી હાહાકાર મચી ગયો. અહીં ચંબલ નદીમાં લગભગ 50 મુસાફરોની ભરેલી એક બોટ પલટી ગઈ. દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયા છે. સ્થાનિક લોકો મુજબ, આજે ચોથનો દિવસ છે. એવામાં કોટા જિલ્લાનો ગોઠડા ગામથી ચંબલના કિનારાથી બોટમાં સવાર થઈને લોકો નદીના બીજા કિનારે બૂંદી જિલ્લામાં સ્થિત કમલેશ્વર ધામ દર્શન કરવા અને સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા.
બોટમાં લગભગ 14-15 મોટરસાઇકલની સાથે લગભગ 50 લોકો સવાર હતા. પરંતુ એક પણ વ્યક્તિએ લાઇફ જેકેટ નહોતી પહેરી. આ દરમિયાન બોટનું સંતુલન બગડી ગયું અને તે નદીમાં સમાઈ ગઈ. આ જોઈને નદીના બંને કિનારે ઊભેલા લોકોમાં ખળભળી મચી ગઈ. આ દૃશ્ય જોઈને લોકોએ તાત્કાલિક બૂંદી જિલ્લા અને કોટા જિલ્લાના વહીવટીતંત્રને જાણ કરી. વહીવટીતંત્ર પહોંચે તે પહેલા જ ગ્રામીણ તરવૈયાઓએ નદીમાં કૂદીને લગભગ 20 લોકોને સુરક્ષિત બહાર કાઢી દીધા. બાદમાં પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું.
બપોર સુધીમાં 11 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવી ચૂક્યા હતા. બાકી લોકોની શોધખોળ ચાલી રહી છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. બીજી તરફ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતએ મૃતકના પરિવારોને રાજ્ય સરકાર તરફથી એક લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. ઘટનાસ્થળે બે મોટર બોટ અને બે સ્કૂલા ડાઇવિંગ સિસ્ટમની સાથે 20 જવાનોની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરી દીધું છે.