નણંદે દીકરીને રડાવતા પરીણિતાએ ઘર છોડી દીધું
અમદાવાદ: કહેવાય છે મા તે મા બીજા બધા વગડા ના વા. મા માટે આપણા સમાજમાં અનેક કહેવતો પણ છે. મા શબ્દ માટે ગમે તેટલી વાતો કહીએ તે પણ ઓછી પડે છે. આવો જ એક બનાવ શહેરના સરખેજ વિસ્તારમાં જોવા મળ્યો છે. દીકરીને રડાવતી નણંદના હાથમાંથી દીકરીને લઇ લેવી પરિણીતાને ભારે પડ્યું છે. વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ આપી છે કે, લગ્નના એક વર્ષ બાદ તેના સાસુ સસરા ઘરકામની નાની નાની બાબતોમાં વાંક ગૂના કાઢી તેણે ત્રાસ આપતા હતા. સાસરિયા કહેતા હતા કે, અમે અમારી દીકરીને ઘણું બધું કરિયાવરમાં આપ્યું છે. તું તારા મા બાપના ત્યાંથી કશું લીધા વગર આવી છે.
જોકે, મહિલા આ અંગેની જાણ તેના જ્યારે પતિને કરતી તો તે પણ તેને માર મારતો હતો. જ્યારે પરિણીતાની નણંદ પણ અવારનવાર તેમના ઘરે આવીને ઘમકાવતી હતી કે, ‘તું મારા મા- બાપને સાચવતી નથી અને હેરાન કરે છે. આવું કહીને ઝઘડો કરી મારઝૂડ કરતી હતી.’ જોકે, ૧૪મી તારીખે પરિણીતાની નણંદ તેમના ઘરે આવી હતી અને ફરિયાદી પરિણીતાની બાળકી ને રડાવતી હતી. જેથી પરિણીતાએ બાળકીને લઇને નીચે બેસાડી હતી.
એવામાં તેના સાસુ એ તેને એક લાફો મારીને કહું હતું કે, અમે તારી દીકરી ને મારશું, તું અમને કહેવાવાળી કોણ? પરિણીતાના સસરાએ પણ તેને ઘરમાંથી બહાર નીકળી જવા માટે કહ્યું હતું. જેથી મહિલાને આ અંગે ઘણું જ લાગી આવ્યું હતું. જે બાદ પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ પરિણીતાના પતિ અને સાસરીયા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.