મ્યુનિ. પબ્લીસીટી અને ગાર્ડન વિભાગના કર્મચારીઓ કોરોના સંક્રમિત
શહેરના બગીચા- કડીયાનાકા પર થઈ રહેલા કોરોના ટેસ્ટ: બગીચામાં સોશ્યલ ડીસ્ટન્સના અભાવ બદલ કમિશ્નર દંડ ભરપાઈ કરશે ?: સુરેન્દ્ર બક્ષી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી છુટછાટ અને નાગરીકોમાં જાગૃતતાના અભાવે કોરોના વકરી રહયો છે. કોરોના વાયરસ ગત્ એપ્રિલ અને મે મહીના કરતા પણ વધુ ખતરનાક થઈને ત્રાટક્યો હોય તેમ લાગી રહયુ છે. રાજય સરકારના માર્ગદર્શન હેઠળ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વાયરસને નિયંત્રણમાં લેવા માટે બહુસ્તરીય પગલા લેવામાં આવી રહયા છે. પરંતુ વાયરસ સામે તમામ કાર્યવાહી નિષ્ફળ સાબિત થઈ રહી છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એપ્રિલ મહીનાની માફક “કેચ ધી વાયરસ”નો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેના કારણે પણ કેસ વધી રહયા હોવાના દાવા થઈ રહયા છે. મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા બગીચા, કડીયાનાકા, રેલ્વે સ્ટેશન તથા પ૦ જેટલા કીઓસ્ક પર કોરોનાના એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં કોરોનાના કેસ ઘટી રહયા હોવાના દાવા વચ્ચે મ્યુનિ. કર્મચારીઓ જ તેનો ભોગ બની રહયા છે. જેમાં પબ્લીસીટી અને બગીચા ખાતાના કર્મચારીઓ પણ સંક્રમિત થયા હોવાની વિગતો બહાર આવી છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
અમદાવાદ શહેરના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરવા તથા નિયમો બનાવવા મ્યુનિ. અધિકારીઓ જે સ્થળે બિરાજમાન થાય છે તે કોરોના કાર્યાલયમાંથી પણ ત્રણ પોઝીટીવ કેસ બહાર આવ્યા છે જેમાં એક ડેપ્યુટી કમિશ્નર કક્ષાના કમિશ્નર પણ છે. જયારે મ્યુનિ. બગીચા ખાતાના પાંચ કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે જેમાં પૂર્વ ઝોનના ૩ અને પશ્ચિમ ઝોનના બે અધિકારી છે. મ્યુનિ. પબ્લીસીટી વિભાગમાંથી પણ બે કર્મચારીઓના પોઝીટીવ રિપોર્ટ મળ્યા છે. તંત્ર દ્વારા આ તમામ આંકડા જાહેર કરવામાં આવતા નથી જયારે કાલુપુર રેલવે સ્ટેશન પર કરવામાં આવેલા ટેસ્ટીંગ બાદ આઠ દિવસમાં જ રર૦ જેટલા પોઝીટીવ કેસ મળ્યા છે. જયારે બગીચા અને કડીયાનાકા પર કરવામાં આવેલા ટેસ્ટના આંકડા હજી સુધી જાહેર કરવામાં આવ્યા નથી. મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે કોરોનાના કેસ ઓછા થઈ ગયા છે તેમ સાબિત કરવા માટે બગીચા સહિત અનેક છુટછાટ આપવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા જ સાવચેતીના પગલા લેવામાં આવતા નથી. સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્કના કારણોસર પાનના ગલ્લા કે ચા ની કીટલીવાળા સામે કાર્યવાહી થાય છે તથા દંડ વસુલાત કરી તેને સીલ પણ મારવામાં આવી રહયા છે. જયારે બીજી તરફ બાગ- બગીચામાં કોઈ જ નિયમના પાલન થતા નથી. તેના માટે કોની પાસેથી દંડ વસુલ કરશો ? શુ મ્યુનિ. કમિશ્નર જવાબદારી લઈને દંડ ભરપાઈ કરશે ? તેવો વેધક સવાલ પણ તેમણે કર્યો હતો.
અમદાવાદ શહેરમાં કોરોના કહેર વધી રહયો હોવા છતાં તંત્ર દ્વારા “સબ સલામત”ની આલબેલ પોકારવામાં આવી રહી છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિથી અધિકારીઓ પણ વાકેફ છે. મ્યુનિ. કોર્પોરેશનમાં કોરોના માટે નિયુક્ત કરવામાં આવેલા ઉચ્ચ અધિકારીઓ દ્વારા થઈ રહેલી કાર્યવાહી સામે પણ પ્રશ્નાર્થ લાગી રહયો છે. કોઈપણ પ્રકારની સાવચેતીના પગલા લીધા વિના ર૦૦ કરતા વધુ બગીચાઓ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. કોરોનાના કેસમાં વધારો થયા બાદ રોજ ૧પ થી ર૦ બગીચાઓમાં નાગરીકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે પરંતુ સોશીયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝર મામલે હજી પણ ઢીલાશ જાેવા મળી રહી છે. તેવી જ રીતે કડીયાનાકાઓ પર કાર્યવાહી કરવામાં પણ વિલંબ થયો છે. શહેરના બગીચા અને કડીયાનાકા પણ કોરોનાના એ.પી. સેન્ટર બની રહયા હોવાની ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મોટી સંખ્યામાં એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહયા છે. બગીચા અને કડીયાનાકા ઉપરાંત પ૦ સ્થળે કોરોના ડીઓસ્ક પણ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં નાગરીકોના વિનામુલ્યે ટેસ્ટ કરવામાં આવી રહયા છે. તંત્ર દ્વારા વોર્ડ દીઠ “મેગા ટેસ્ટીંગ” થઈ રહયા છે. જેના પરીણામો જાેઈને અધિકારીઓ પણ હતપ્રભ બની ગયા છે. ગોતા અને ચાંદલોડીયા વોર્ડમાં થઈને ૪૦૦ કરતા વધુ પોઝીટીવ કેસ મળ્યા હોવાની વાતો બહાર આવી હતી જાેકે તંત્ર દ્વારા હંમેશાની માફક રદીયો આપવામાં આવ્યો હતો. શહેરની સોસાયટીઓમાં પણ થઈ રહેલા એન્ટીજન ટેસ્ટના કારણે કેસ વધી રહયા છે. તંત્ર દ્વારા મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરવામાં આવી રહયા હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ પોઝીટીવ કેસની સંખ્યા મામલે મૌન ધારણ થાય છે. તંત્રનું આ મૌનથી નાગરીકો પણ અકળાઈ ગયા છે કેસની સંખ્યા ઓછી થઈ હોય તો પછી હોસ્પીટલોમાં બેડ કેમ નથી મળતા ? તેવા સવાલ નાગરીકો કરી રહયા છે. મ્યુનિ. સંચાલિત તથા કરાર કરવામાં આવેલી હોસ્પિટલોમાં જગ્યા નથી. તેમ છતાં “સબ સલામત”ના દાવા કરવામાં આવી રહયા છે.