સુરતનાં બે વેપારીઓનું ઓઢવમાં અપહરણ કરી પ૦ લાખની ખંડણી માંગનાર ઝડપાયો
બંને વેપારીઓને ગડદાપાટુનો માર માર્યા બાદ સાડા સાત લાખ પડાવ્યા ઃ બાકીના રૂપિયા ન આપે તો ફોટા વાઈરલ કરવાની ધમકી આપી છોડી મુકાયા
(પ્રતિનિધિ) અમદાવાદ, સુરતના બે વેપારીઓને ઉઘરાણીના મામલે અમદાવાદ ખાતે બોલાવીને ગઠીયા ટોળકીએ તેમનું અપહરણ કરી ઢોરમાર માર્યો હતો બાદમાં તેમની પાસે પ૦ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને જાે ન આપે તો ફોટા વાઈરલ કરવાની ધમકી આપવાની ઘટના બનતા ચકચાર મચી છે. આ મામલે ઓઢવ પોલીસે તપાસ હાથ ધરી છે અને એક શખ્સને ઝડપી લીધો છે.
આ ઘટના અંગેની વિગત એવી છે કે ત્રણેક વર્ષ અગાઉ સુરત તથા હાલ અમદાવાદ ખાતે રહેતો કમલેશ ગોહીલ વિરાટનગર, સુગ્નાન બગીચા સામે કૈલાશ એસ્ટેટમાં કિશન કેશર નામે પોતાનું કારખાનું ધરાવે છે અગાઉ સુરતમાં રહેતો હતો ત્યારે બિલ્ડીંગ મટીરીયલના વેપારી મહેશભાઈ નડીયાદરા (લક્ષ્મીનગર સોસાયટી, આર્શીવાદ રો-હાઉસ, સરથાણા, સુરત) સાથે ઓળખાણ થઈ હતી. આ કમલેશ ગઈ તા.૧૮ ઓગસ્ટે દક્ષા ધરમશી દેસાઈ (સંમેત એવન્યુ કાનબા હોસ્પીટલ પાસે નિકોલ) સાથે સુરત પહોંચીને મહેશભાઈને મળ્યો હતો અને રૂપિયા બે લાખ ઉધારે માંગ્યા હતા. જાેકે લોકડાઉનને પગલે ધંધો ન હોઈ મહેશભાઈએ પૈસા ન હોવાનું કહયું હતું જેથી કમલેશે તેમની ઉઘરાણી અંગે પૂછતા મહેશભાઈએ જેસરના ચેતન દેવાણી તથા અન્ય વેપારીઓ પાસેથી ઉઘરાણી બાકી છે
તેમ જણાવતા કમલેશે ચેતનભાઈને ઓળખતાનું હોવાનું તથા તેમની પાસેથી ઉઘરાણી લાવી આપવાનું કહયું હતું બાદમાં ગત શનિવારે કમલેશે ફોન કરીને ચેતનભાઈ અમદાવાદ આવે છે તો તમે પણ આવી જજાે તેમ કહેતાં મહેશભાઈ તેમના પાર્ટનર ભાવેશભાઈ કપોપરા સાથે રવિવારે બપોરે અમદાવાદમાં આવેલી કમલેશની ઓફીસે પહોચ્યા હતા. જયાં અગાઉથી જ ગોઠવણ મુજબ કમલેશ, દક્ષા ઉપરાંત તેમના અન્ય સાગરીતો મનોજ નારાયણ પરમાર (ખોડીયારનગર, સાગર ડેરીની બાજુમાં બાપુનગર) રાજુભાઈ, રાજુભાઈ ભરવાડ, ભગાભાઈ તથા રોહીત હાજર હતા.
કમલેશે મહેશભાઈ તથા ભાવેશભાઈને બેસાડીને અચાનક જ તેમના મોબાઈલ ફોન, રૂપિયા તથા પાકીટ ખુંચવી લીધા હતા બાદમાં હોકી અને ફેંટો વડે માર માર્યો હતો અને રૂપિયા પ૦ લાખની માંગ કરી હતી જેથી મહેશભાઈએ ઘરે ફોન કરી આંગડીયામાં પ લાખ મંગાવ્યા હતા. પરંતુ રવિવાર હોવાથી તે કમલેશને મળ્યા ન હતા. બાદમાં સુરતથી વધુ અઢી લાખની ગોઠવણ કરી મહેશભાઈના એક મિત્ર અઢી લાખ રૂપિયા લઈ સુરતના પાસોદરા પાટીયા નજીક બાઈક લઈ આવેલા કમલેશના સાગરીત રોહીતને આપ્યા હતા.
આ દરમિયાન માર ચાલુ રાખતા ભાવેશભાઈની તબિયત લથડતાં તેમની બે વાર સારવાર કરાવી દક્ષા તથા કમલેશ પરત આવ્યા હતા બાદમાં મહેશભાઈએ ભાવેશભાઈ મરી જશે તેમ કહેતા ટોળકીએ સુરત પહોંચીને બાકીના સાડા બેતાલીસ લાખ મોકલી આપવાનું કહી મહેશભાઈ તથા ભાવેશભાઈને છોડી મુકયા હતા સુરત પહોંચીને મહેશભાઈએ પરીવારને વાત કરતા તેમણે હિંમત આપતા આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. અપહરણ- ખંડણીની ઘટના બનતા પીઆઈ જાડેજાએ તુરંત તપાસ શરૂ કરતા મનોજને ઝડપી લીધો હતો જયારે અન્યોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ ઘટના દરમિયાન ખંડણી માંગતી વખતે દક્ષાએ રૂપિયા ન આપે તો મહેશભાઈને ફોટા વાઈરલ કરવાની ધમકીઓ આપી હતી ઉપરાંત બંનેને છોડતી વખતે દક્ષાએ મહેશભાઈ સાથે ફોટા પડાવીને બાકીના સાડા બેતાલીસ લાખ ન મોકલાવ્યા તો ફોટા વાયરલ કરી દેવાની ધમકીઓ આપી હતી.