ઈન્કમટેક્ષ ફલાય ઓવરની દુર્દશા માટે કન્સલટન્ટ જવાબદાર
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં કોર્પોરેટરે વાણી સંયમ ગુમાવ્યો હોવાની ચર્ચા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરના ઈન્કમટેક્ષ સર્કલ પર તૈયાર કરવામાં આવેલ ફલાયઓવરની નબળી કામગીરી માત્ર પંદર દિવસમાં જ જાહેર થઈ છે. જેના માટે પ્રોજેકટ કન્સલટન્ટ સામે કાર્યવાહી કરવામાં આવશે. જયારે “જેટ” અને “મેલેરીયા” ની કામગીરીથી ભાજપના કોર્પોરેટરો ત્રસ્ત થઈ ગયા છે. જેનો રોષ અધિકારીઓ પર ઠાલવી રહયા છે. જેમાં કયાંક વાણી-વિલાસ પણ થતો હોવાની વિગતો બહાર આવી છે.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ભાજપ સભ્ય જતીન પટેલે ઈન્કમટેક્ષ ફલાયઓવરની દુર્દશા માટે રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે તેઓ રોડ એન્ડ બિલ્ડીંગ કમીટી ચેરમેનપદે હતા તે સમયે સદ્દર ફલાય ઓવરનું કામ મંજૂર કર્યું હતું. પ્રોજેકટના કન્સલટનટે તે સમયે રૂપાળા ચિત્રો દર્શાવ્યા હતા જે આભાસી પુરવાર થયા છે.
ફલાયઓવરની મુળ ડીઝાઈનમાં “રૂફટોપ” નો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેનો અમલ થયો નથી. જેના માટે વાહનચાલકોને તકલીફ થવાના કારણો આપવામાં આવ્યા છે. કન્સલટન્ટે ડીઝાઈન તૈયાર કરી તે સમયે આ બાબત નો ખ્યાલ ન હતો ?
“રૂફટોપ” ડીઝાઈન મુજબ અંદાજ તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કામ ન કરીને કોર્પોરેશનનું આર્થિક નુકશાન કર્યું છે. સાથે-સાથે સામાન્ય વરસાદમાં પણ પાણી લીકેજ થવાના કારણે શહેરની શાખ બગડી છે.
ફલાયઓવરના પ્રેઝન્ટેશનમાં ગાંધીજીની પ્રતિમાને મુળ સ્થાનેથી વાડજ સર્કલ લઈ જવાનો ઉલ્લેખ હતો. પરંતુ અંતે મુળસ્થાને રશાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
ગાંધીજીની પ્રતિમાને ખાસ સજાવટ કરવા માટે પણ વાતો થઈ હતી. પરંતુ ફલાય ઓવર તૈયાર થવાની સાથે જ બાપુની પ્રતિમાને મુળ સ્થાને ખસેડવામાં આવી છે. તેમજ પ્રતિમાની સજાવટનું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નથી. જેના માટે કન્સલટન્ટ સામે કાર્યવાહી કરવી જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં વસ્ત્રાલ કોર્પોરેટર અનિરૂધ્ધસિંહે અધિકારીઓ સામે આક્રોશ વ્યકત કર્યો હતો. તથા મ્યુનિ. અધિકારીઓ ફોન રીસીવ કરતા નથી તેવી ફરીયાદ કરી હતી. જે અંગે લાંબી ચર્ચા પણ ચાલી હતી. પ્રાપ્ય માહિતી મુજબ મેલેરિયા ખાતાના કર્મચારીઓ એક કન્સ્ટ્રકશન સાઈટ પર તપાસ માટે ગયા હતા.
જયાં મચ્છર બીડીંગ મળી આવતા રૂ.પ૦ હજારની પેનલ્ટી કરી હતી.તેથી કોર્પોરેટર અને કમીટી સભ્ય એ પેનલ્ટી ન કરવા માટે હેલ્થ ઓફીસર ને ફોન કર્યો હતો. હેલ્થ ઓફીસરે આ અંગે ઝોનના આસી. કમીશ્નર કે ડે.મ્યુનિ. કમીશ્નર સાથે વાત કરવા જણાવ્યું હતું જે બાબત કોર્પોરેટરને “નફફટાઈ” લાગી હતી. તથા સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં જ અધિકારીની “નફફટાઈ” જેવા શબ્દોના ઉચ્ચારણ કર્યા હતા. તેમ છતાં આસી. કમીશ્નર કે તે મ્યુનિ. કમીશ્નર કક્ષાના કોઈપણ અધિકારીએ દરમ્યાનગીરી કરી ન હતી.
તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ સદ્દર મામલે ચર્ચા થયા બાદ તેમણે અધિકારીઓને ફોન રીસીવ કરવા વિનંતી છે. કમીટી બેઠકમાં એલ.જી.હોસ્પીટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધી રહયો હોવાથી સ્ટાફમાં વધારો કરવા માટે પણ ચર્ચા થઈ હતી. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.