જોનસન કેબિનેટમાં ભારતીય ગુજરાતી પ્રીતિ પટેલ ગૃહમંત્રી
પ્રીતિ પટેલ મૂળ ગુજરાતના : પ્રીતિ પટેલના માતા-પિતા મૂળ ગુજરાતના છે. |
પ્રીતિ પટેલ ૨૦૧૦માં પહેલી વખત એસેક્સના વિથેમથી કંઝરવેટિવ સાંસદ બન્યાં હતા પ્રીતિ (૪૭) આ પદ પર પહોંચનારા ભારતીય મૂળના પહેલા વ્યક્તિ છે. તેઓ બ્રેગ્ઝિટને લઈને થેરેસા મેની નીતિઓના મુખ્ય આલોચક રહ્યાં હતા.
કાર્યભાર સંભાળ્યા પછી પ્રીતિએ કહ્યું, મારા કાર્યકાળ દરમિયાન મારો પહેલો પ્રયત્ન રહેશે કે આપણો દેશ અને અહીંના લોકો સુરક્ષીત રહે. છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ ઉપર પણ ઘણી હિંસા દેખાય છે. અમે તેમાં પણ ઘટાડો કરીશું. અમારી સામે અમુક પડકારો ચોક્કસ છે પરંતુ અમે તેનો ઉકેલ લાવીશું. પદ સંભાળ્યાના થોડા કલાક પહેલાં જ પ્રીતિએ કહ્યું હતું કે, એ જરૂરી છે કે નવું કેબીનેટ માત્ર નવા બ્રિટનને જ નહીં પરંતુ નવી કન્ઝરવેટીવ પાર્ટીની પણ આગેવાની કરે.
કન્ઝરવેટિવ પાર્ટીમાં મેને હટાવીને બોરિસ જોનસનને વડાપ્રધાન બનાવવા માટે બેર બોરિસ કેમ્પન ચલાવવામાં આવ્યું હતું. પ્રીતિની તેમાં મહત્વની ભૂમિકા હતી. જોનસનના વડાપ્રધાન બન્યા પછી તેમને મહત્વની જવાબદારી આપવામાં આવશે તે નક્કી જ હતું. પ્રીતિ લાંબા સમયથી બ્રિટનના યૂરોપિયન યૂનિયનમાંથી બહાર નીકળવાના પક્ષમાં હતા. તેથી તેમણે જૂન ૨૦૧૬માં વોટ લીવ કેમ્પેન પણ ચલાવ્યું હતું.
૯ વર્ષ પહેલાં સાંસદ બન્યા હતા
પ્રીતિ ૨૦૧૦માં પહેલીવાર એસેક્સમાં વિથેમથી કન્ઝરવેટિવ પાર્ટીના સાંસદ બન્યા હતા. ડેવિડ કૈમરનની આગેવાનીવાળી સરકારમાં તેમને ભારતીય સમુદાય સાથે જોડાયેલી જવાબદારી મળી હતી. ૨૦૧૪માં ટ્રેઝરી મિનિસ્ટર (જૂનિયર મિનિસ્ટીરિયલ પોસ્ટ) અને ૨૦૧૫માં એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૬માં થેરેસા મેએ તેમનું પ્રમોશન કરીને ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટમાં વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૭માં તેમને પદ પરથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું.
પ્રીતિ પટેલ મૂળ ગુજરાતના : પ્રીતિ પટેલના માતા-પિતા મૂળ ગુજરાતના છે. જેઓ સૌપ્રથમ યુગાન્ડા ગયા હતા. ત્યાથી ૧૯૬૦થી ઈંગ્લેન્ડમાં સ્થાયી થયા હતા. પ્રીતિ પટેલને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા સમર્થક માનવામાં આવે છે. નોંધનીય છે કે, બ્રેક્ઝિટના મુદ્દે થેરેસા મેના રાજીનામા પછી બ્રિટનની મુખ્ય કન્ઝરવેટીવ પાર્ટીએ બોરિસ જોનસનને પાર્ટીના નવા નેતા ચૂંટવામાં આવ્યા છે. ત્યારપછી જોનસને મહારાણી એલિઝાબેથ દ્વીતીય સાથે મુલાકાત કરી અને તેમને દેશના નવા વડાપ્રધાન જાહેર કરવામાં આવ્યા.
આ પહેલાં બ્રિટનમાં કન્ઝરવેટીવ પાર્ટીના નેતા અને પૂર્વ વિદેશ સચિવ બોરિસ જોનસન મંગળવારે અહીંના વડાપ્રધાન ચૂંટાયા છે. તેમણે તેમના વિજય ભાષણમાં સમર્થકોને ઝડપથી કામ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. જોનસન મોટી બહુમતી સાથે જીત્યા છે. તેમણે ૯૨,૧૫૩ મત મેળવ્યા છે. જ્યારે વિપક્ષના ઉમેદવાર જેરેમી હંટને માત્ર ૪૬,૬૫૬ મત મળ્યા છે.