ચીન- તાઈવાન વચ્ચે યુધ્ધના ભણકારા: ર૪ કલાકમાં ચીનના ફાઈટરો બે વખત તાઈવાનમાં ઘૂસ્યા
ગઈકાલે ૧૮ અને આજે ૧૯ વિમાનો તાઈવાનમાં ઘૂસી જતા અફડાતફડી: અમેરિકાના મંત્રી તાઈવાનમાં છે ત્યારે ચીનની કરતૂતથી વાતાવરણ સ્ફોટક: ભારતને ફાયદો થશે
નવી દિલ્હી, તાઈવાન-ચીન વચ્ચે સાઉથ- સી માં પરિસ્થિતિ અત્યંત ખતરનાક મોડ પર આવી ગઈ છે. તાઈવાન પર કબજાે મેળવવા ચીન તરફથી સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. છેલ્લા ર૪ કલાકમાં જ ચીનના ફાઈટર વિમાનોએ તાઈવાનની હવાઈ સીમાનો બે વખત ભંગ કર્યો છે. ચીનના ફાઈટર- બોંબર વિમાનો ગઈકાલે તાઈવાનમાં ઘૂસ્યા પછી આજે પણ ઘૂસી ગયા હતા. ગઈકાલે એક સામટા ૧૯ વિમાનો તાઈવાનમાં ઘૂસી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દરમિયાનમાં આજે ફરીથી ૧૯ જેટલા ફાયટર જેટ વિમાનો તાઈવાનમાં ઘૂસી જતા ગમે ત્યારે બંને દેશો વચ્ચે યુધ્ધના સંકેતો મળી રહયા છે ચીનના જે-૧૭, જે-૧૦, અને જે-૧૧ બોંબર વિમાનો તાઈવાનની એરસ્પેસમાં છેક અંદર સુધી ઘૂસી આવ્યા હતા. અમેરિકાના આર્થિક બાબતોના મંત્રી હાલમાં તાઈવાનમાં છે ગઈકાલે તેમણે તાઈવાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. આજે પણ તેઓ તાઈવાનમાં રોકાયા છે. આવા સંજાેગોમાં ચીન તરફથી ઉશ્કેરણીજનક કૃત્ય કરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.
ચીન જાણે છે કે તાઈવાનની રક્ષણની જવાબદારી અમેરિકાના માથે છે બંને દેશો વચ્ચે કરાર થયા છે તેથી અમેરિકા તાઈવાનને શસ્ત્રો આપી રહયુ છે. જાે ચીન, તાઈવાન પર હુમલો કરશે તો અમેરિકાને મેદાનમાં ઉતરવુ પડશે જાે એમ થશે તો સાઉથ- સીમાં ધમાસાણ યુધ્ધ થશે. સાઉથ- સીમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, બ્રિટન, તાઈવાન, ભારતના વોરશીપ છે અને ત્યાં જ ધબાધબી થઈ જશે. ભારત માટે એક સારી વાત એ રહેશે કે જાે ચીન તાઈવાન પર હુમલો કરશે તો બધુ ફોકસ સાઉથ-સીમાં કેન્દ્રીત થઈ જશે. જેને કારણે ચીન ભારત તરફના વલણમાં કુણુ પડી શકે તેમ છે. કારણ કે ભારતની જંગી લશ્કરી તાકાતને તે જાણે છે. ભારત એ તાઈવાન નથી એ ચીન સારી પેઠે જાણી ગયુ છે. ભારતીય સૈન્ય વિશ્વમાં ટોચના ક્રમે આવે છે ભારતીય સૈન્ય પાકિસ્તન અને ચીનને એક સાથે ભરી પીવા તૈયાર થયુ હોય તો ભારતીય જવાનોની તાકાત અને હોંસલો કેટલો બુલંદ હશે તે દેશના નાગરિકોએ સમજવાની જરૂર છે. ભારતના આઈ.ટી.બી.પી ના જવાનો જ ચીન માટે પહાડી પર યુધ્ધ કરવા માટે કાફી છે.