પહેલી સ્વદેશી કોરોના ટેસ્ટ કીટ ફેલુડાને મંજૂરી મળી
નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે વૈજ્ઞાનિક, શોધકર્તા, ડોક્ટર્સ, ફાર્મા કંપનીઓ, ટેક્નોલોજી કંપનીઓ દિવસ-રાત કોરોના સામે લડવા માટે નવી નવી શોધ કરવામાં લાગી છે. જેમાં હવે ટાટા ગ્રૂપે નવી કોવિડ-૧૯ ટેસ્ટ કિટ બનાવી છે. કંપનીએ ક્લસ્ટર્ડ રેગ્યુલરલી ઈન્ટરસ્પેસ્ડ શોર્ટ પેલિનડ્રોમિક રિપિટ્સ કોરોના વાયરસ ટેસ્ટને સીએસઆઈઆર ઈસ્ટીટ્યૂટ ઓફ જેનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજી સાથે મળીને તૈયાર કરી છે. મહત્વનું એ છે કે ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા કોરોના વાયરસની તપાસમાં ટાટાની નવી કોવિડ-૧૯ ટેસ્ટ ફેલુડાને સાર્વજનિક ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
ટાટા સમૂહ પ્રમાણે સીઆરઆઈએસપીઆર કોરોના ટેસ્ટ સૌથી વધારે વિશ્વસનીય માનવામાં આવતા આરટી-પીસીઆર ટેસ્ટની બરોબર ચોક્કસ પરિણામ આપશે. આ સાથે સમય અને કિંમત બંને ઓછી લાગશે. આ ટેસ્ટ એસએઆરએસ-સીઓવી-૨ વાયરસના જેનોમિક સિક્વેન્સની તપાસ કરવા માટે સ્વદેશી સીઆરઆઈએસપીઆર ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. ફેલુડા ટેસ્ટ ૨ કલાકમાં કોરોના વાયરસના ટેસ્ટ સેમ્પલ ડાયગ્નોસ કરીને રિઝલ્ટ આપી દે છે. ભવિષ્યમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ બીજી મહામારીઓની ટેસ્ટમાં પણ કરી શકાશે. કંપનીનું કહેવું છે કે ટાટા સીઆરઆઈએસપીઆર ટેસ્ટ સીએએસ-૯ પ્રોટીનનો ઉપયોગ કરનાર દુનિયાનો પહેલું પરિક્ષણ છે.
જે સફળતાપૂર્વક કોવિડ-૧૯ મહામારી ફેલાવનાર વાયરસની ઓળખ કરે છે. અધિકારીઓએ જણાવ્યું કે ‘આ ટેસ્ટ એક ઉત્કૃષ્ટ શોધ છે જે ખૂબ જ થોડા સમયમાં રિઝલ્ટ આપી દે છે. તેને મંજૂરી પણ પૂરતી ચકાસણી અને તમામ નિયમોને આધીન આપવામાં આવી છે.’ આ ટેસ્ટ ઓછો સમય લેવા ઉપરાંત ખૂબ જ વ્યાજબી ભાવમાં થઈ શકશે કારણ કે તેમાં ઉપયોગમાં લેવામાં આવતા ઇક્વિપમેન્ટ બહુ મોંઘા નથી. તો એક્યુરસી મામલે આ ટેસ્ટ કોઈપણ એન્ટિજેન બેઝ્ડ ટેસ્ટ કિટ કરતા વધારે ચોક્કસ અને સાચુ પરિણામ આપે છે.