સુરતમાં પેટ્રોલ પંપના ૧૨ કર્મીચારી કોરોના પોઝિટિવ
સુરત: મનપા દ્વારા સુપર સ્પેડર્સ ટેસ્ટિંગ અભિયાન અંતર્ગત તમામ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવીને કેટલાક દિવસથી ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. મનપાની ટીમે શહેરના અલગ-અલગ પેટ્રોલ પંપો પર ૮૮૪ કર્મચારીનો રેપિડ ઍન્ટીજન ટેસ્ટ હાથ ધર્યો હતો. જેમાં ૧૬ વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યા હતાં. મહત્વનું છે કે, ઉધના મગદલ્લા રોડ ગાંધી કુટિર પાસે આવેલ ભારત પેટ્રોલિયમના એક જ પેટ્રોલ પંપ ઉપર ૧૨ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા મનપાએ પેટ્રોલ પંપ બંધ કરાવ્યો હતો. શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમિત કેસો લઇને મનપા કમિશનર શહેરના વિવિધ ઝોનની મુલાકાત લઇને તંત્રને જરૂરી સૂચના ઓ આપી હતી.
મનપાના તમામ ઝોનની અલગ અલગ ટીમો બનાવી સલૂન, ઓટો ગેરેજ, દૂધ વિક્રેતા, પાનના ગલ્લાવાળા, ચા વાળા, વિગેરેના રેપિડ ઍન્ટીજન ટેસ્ટ કરીને સુપર સ્પેડર્સ શોધી કાઢ્યા હતા. અભિયાન અંતર્ગત આજે મનપાની ટીમ દ્વારા શહેરના વિવિધ પેટ્રોલ પંપના ૮૮૪ કર્મચારીઓના ઍન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મનપાની ટીમે આ અભિયાનમાં ૧૬ સુપર સ્પેડર્સ શોધી કાઢ્યા હતા. કોરોના હોટસ્પોટ બનેલા અઠવા ઝોન વિસ્તારના વિવિધ પેટ્રોલ પંપ પર કામ કરતા કુલ ૧૨૬ કર્મચારીઓના ટેસ્ટ થયા હતા.
જેમાં મગદલ્લા રોડ ગાંધી કુટિર પાસેના ભારત પેટ્રોલિયમ પમ્પના ૧૨ કર્મચારીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. જેથી મનપાએ પંપ બંધ કરાવ્યો હતો. મનપા દ્વારા હજુ પણ આ અભિયાનને આગળ શરૂ રાખવામાં આવનાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પંપ બંધ કરાવવાની સાથે અન્ય કર્મચારીઓને પણ હોમ આયસોલેશનમાં રેહવાની સૂચના આપવામાં આવી હતી. મનપા દ્વારા હાલમાં કોરોના સ્પ્રેડર શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. હવે લારીવાળાઓનો ટેસ્ટ કરાવવામાં આવશે. અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ મળતા ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે .