Western Times News

Gujarati News

મ્યુનિ. બોર્ડમાં પત્રકાર પ્રવેશ પર અનિશ્ચિતતા

File

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ:
કોરોનાના કારણે છેલ્લા ૦૬ મહીનાથી મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા મળી ન હતી જે આગામી રપ સપ્ટેમ્બરે ચુસ્ત ગાઈડલાઈન સાથે મળશે. ફેબ્રુઆરી માસ બાદ પ્રથમ વખત મળી રહેલી સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા પ્રજાકીય પ્રશ્નો અને ભ્રષ્ટાચાર મામલે આક્રમક વલણ અપનાવવામાં આવે તેવી સંપુર્ણ શક્યતા છે.





અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભા રપ સપ્ટેમ્બરે મળવાની છે. સંસદ અને વિધાનસભાની માફક મનપાની સામાન્ય સભામાં હાજરી આપનાર કોર્પોરેટર અને અધિકારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સુત્રોએ જણાવ્યા મુજબ ર૪ સપ્ટેમ્બરે તમામ ૧૯ર કોર્પોરેટર, ડે. મ્યુનિ. કમિશ્નર, મ્યુનિ. કમિશ્નર તથા સેક્રેટરી ઓફીસ સ્ટાફના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. જે સભ્યનો રીપોર્ટ પોઝીટીવ આવશે તેમને પ્રવેશ આપવામાં આવશે નહિ. સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થાય તે માટે ટાગોર હોલ ખાતે માસિક સામાન્ય સભા બોલાવવામાં આવી છે.

નોંધનીય બાબત એ છે કે પત્રકારોને પ્રવેશ આપવા મામલે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. પત્રકારો માટે ઓનલાઈન વ્યવસ્થા ગોઠવાય તેવી શક્યતા છે. કોરોનાના કારણે ૦૬ મહીના બાદ પ્રથમ વખત માસિક સામાન્ય સભા મળી રહી છે તેથી કોંગ્રેસ આક્રમક વલણ અપનાવી શકે છે. નવેમ્બર મહીનામાં ચૂંટણી જાહેર થાય તો વર્તમાન ટર્મનું અંતિમ બોર્ડ પણ હોઈ શકે છે.




મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ મ્યુનિ. બોર્ડમાંથી પત્રકારોની બાદબાકી કરવાની પેરવી ચાલી રહી છે. મ્યુનિ. શાસક પક્ષ તેમની નિષ્ફળતા છુપાવવા માટે પત્રકારોને પ્રવેશ ન આપવા નિર્ણય કરે તેવી ચર્ચા ચાલી રહી છે. જાે પત્રકારોને પ્રવેશ આપવામાં ન આવે તો તે લોકશાહીની હત્યા સમાન માનવામાં આવશે. વિધાનસભામાં કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ પત્રકારોને પ્રવેશ આપવામાં આવ્યો છે તો મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં શા માટે નહિ? તેવો સવાલ પણ તેમણે કર્યો હતો.

અત્રે નોંધનીય છે કે માર્ચથી મે મહીના સુધી લોકડાઉનના કારણે મ્યુનિ. બોર્ડની મીટીંગ થઈ શકી ન હતી જુન મહીનામાં અનલોક જાહેર થયા બાદ પણ મેયરે પ૦ વ્યક્તિની મર્યાદાના કારણો દર્શાવી મીટીંગ બોલાવી ન હતી. જેનો કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તથા પ૦ વ્યક્તિની મર્યાદામાં બોર્ડ બોલાવવા માંગણી કરી હતી તેમ છતાં મેયર ટસ ના મસ થયા ન હતા. વિધાનસભા સત્ર શરૂ થયા બાદ મેયરે બોર્ડ મીટીંગ બોલાવવા નિર્ણય કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.