Western Times News

Gujarati News

દસક્રોઈના ખેડૂતે શેઢા પર  700 નીલગીરી વાવી -વધારાની આવક મેળવશે

શેઢા-પાળા પર વૃક્ષ-વાવેતર કરી ખેડૂત મેળવશે વધારાની આવક

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભરકુંડાના ખેડૂત સંજયભાઈ પટેલે તેમના ખેતરમાં શેઢા પર નીલગીરીનું વાવેતર કરી વધારાની આવક મેળવવાનું આયોજન હાથ ધર્યું છે. સંજયભાઈ 40 વીઘા જમીન ધરાવે છે. સામાન્યપણે તેઓ ડાંગર અને ઘઉંની ખેતી કરે છે.પણ વન વિભાગના માર્ગદર્શન હેઠળ તેમણે નીલગીરીના 700થી વધુ રોપાનું વાવેતર કર્યું છે. સંજયભાઈએ નવ મહિના પહેલા આ રોપાનું વાવેતર કર્યું હતું.

શેઢા પર નીલગીરીનું વાવેતર કરવા પાછળનો ઉદ્દેશ જણાવતા તેઓ કહે છે કે, ’શેઢા પર કોઇપણ પ્રકારની દવા, ખાતર કે પાણીની જરુર પડતી નથી. વળી, વૃક્ષને વધુ માવજતની પણ આવશ્યકતા પણ નથી.આ વાવેતરનો લાભ મને ૪ વર્ષે થશે. જે મારી ખેતી સિવાયની વધારાની આવક હશે.’

સંજયભાઈને વન વિભાગ તરફથી માહિતી મળી હતી કે શેઢા-પાળા પર વૃક્ષોનું વાવેતર કરીને વધારાની આવક મેળવી શકાય છે. ત્યારબાદ તેમણે નર્સરીમાં જઈ નીલગીરીના ટીસ્યૂ કલ્ચર કરેલા રોપા લઈ તેનું વાવેતર કર્યું. તેઓ કહે છે કે વન વિભાગની નર્સરીમાંથી તે પ્રતિ છોડ રુ. 6 ના દરે રોપા લાવ્યા હતા. તે ખેડૂતોને અપીલ કરતા કહે છે કે આપણા ખેતરોમાં શેઢા પર જમીન પડતર રહે છે, તેનો ઉપયોગ કરીને આપણે વધારાની આવક મેળવી શકીએ છીએ.

પ્રધાનમંત્રીશ્રીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે ત્યારે ખેડૂતોએ પરંપરાગત ખેતી સાથે આ પ્રકારની વૈકલ્પિક ખેતી કરી પ્રધાનમંત્રીશ્રીના આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા સહભાગી થઈ શકે છે. -મનિષા પ્રધાન


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.