ભરૂચ મેઘરાજાની સતત બેટિંગથી નિચાણવાળા વિસ્તારો સહિત માર્ગો જળબંબાકાર
ભરૂચના અનેક જાહેરમાર્ગો ઉપર વરસાદી પાણી ભરાતા ખુલ્લી ગટરો વાહન ચાલકો માટે જીવલેણ-વહેલી સવાર થી ૯ તાલુકામાં મેઘમહેરથી ટંકારીયાના પાદરમાં પાણી ભરાતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ તો માંચ ગામે મસ્જીદની ઓરડીના પતરા ઉડ્યા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લામાં ગત મોડી રાત્રી થી જ વિજળી ના ચમકારા સાથે મેઘમહેર મહેરબાન થતા સવારે પણ ધમાકેદાર એન્ટ્રીથી શહેરના નિચાણવાળા વિસ્તારો સહિત મુખ્ય માર્ગો ઉપર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા.તો ભરૂચ શહેર ના મુખ્ય માર્ગો ઉપર પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોની હાલત કફોડી બની હતી.
તો અનેક માર્ગો ઉપર ખુલ્લી ગટરો હોવાના કારણે અકસ્માત ન સર્જાઈ તે માટે સાવચેતીના ભાગરૂપે લાકડા સહિત પાઈપો ની આડાશ મૂકી વાહન ચાલકોને સાવચેત કરાયા હતા.
ભરૂચ જીલ્લા માં ગત સંધ્યાકાળ થી વાતાવરણ માં અચાનક પલ્ટો આવતા આકાશ માં જાણે વાદળો ની ફોજ ઉતરી આવી હોય તેમ ધોધમાર વરસાદ વરસતા ભરૂચ જળબંબોર બન્યું હતું.મોડી રાત્રીથી સવાર સુધી મુશળધાર વરસાદ વરસ્યો હતો.ત્યાર બાદ ત્રણ કલાક ના વિરામ બાદ મેહુલીયાએ પુનઃ ધમાકેદાર એન્ટ્રી કરતા ભરૂચ માં સતત ત્રણ કલાક મેઘ મહેર થતા ભરૂચ ના નિચાળવાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાયા હતા.
જેમાં ભરૂચ ના સતત વાહનો થી ધમધમતા પાંચબત્તી,સેવાશ્રમ રોડ,દાંડિયા બજાર,કસક,ચાર રસ્તા,ફાટાતળાવ સહિત ના વિવિધ માર્ગો ઉપર ઘુટણ સમા પાણી ભરાયા હતા.તો સતત વરસાદ વરસતા અનેક ઝૂપડપટ્ટી વિસ્તાર માં પણ વરસાદી પાણી ભરાયા હતા.
તો ભરૂચમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન તથા પીવાના પાણીની પાઈપ લાઈનની કામગીરી ના પગલે કાદવ કીચડ નું સામ્રાજ્ય થી વાહન ચાલકો ની હાલત કફોડી બની હતી.તો ભરૂચ માં સતત મેઘ મહેર યથાવત રહેતા જનજીવન ને માઠી અસર પડી હતી.બિસ્માર માર્ગો ના કારણે વરસાદી પાણી માં ખાડાઓ ન દેખાતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા હતા.
ભરૂચ જીલ્લા ના અનેક તાલુકાઓ માં પણ મુશળધાર વરસાદ ના કારણે જાહેરમાર્ગો ઉપર જળબંબાકાર ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.જેમાં ટંકારીયા ગામ ના પાદર માં વરસાદી પાણી નો ભરાવો થતા વાહન વ્યવહાર માટે જાહેરમાર્ગ બંધ કરી દેવાની ફરજ પડી હતી.જોકે જાહેરમાર્ગો ઉપર વરસાદી પાણી ભરાતા નજીક માં નિચાણવાળા વિસ્તારો માં આવેલા મકાનો અને દુકાનો માં વરસાદી પાણી ભરાયા હતા.