અતિવૃષ્ટિથી નુકસાનગ્રસ્ત ખેડૂતનો એક પણ દીકરો સહાયથી વંચિત ન રહે એ માટે સરકાર સંકલ્પબદ્ધ : કૃષિમંત્રી
કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી અમારી સરકારે અતિવૃષ્ટિથી નુકસાનગ્રસ્ત ખેડૂતોનો એક પણ દીકરો સહાયથી વંચિત ન રહી જાય એ માટે સંકલ્પ કર્યો છે. કુદરતી આપદા વખતે ખેડૂતોનું બાવડું પકડીને જુસ્સો વધારવાનું કામ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી સંવેદનશીલ સરકારે કર્યું છે.
આજે વિધાનસભા ખાતે સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નૂકશાનીના સરવેની કામગીરી અંગેના ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી ફળદુએ ઉમેર્યું કે, રાજ્યમાં ચાલુ વર્ષે વરસેલા ભારે વરસાદને કારણે થયેલ ખેડૂતોના પાકને થયેલ નુકસાન સંદર્ભે સહાય થવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રૂ.૩૭૦૦ કરોડનેું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ રાજ્યના ૨૦ જિલ્લાના ૧૨૩ તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે. જે ખેડૂતને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને આ સહાય ચૂકવાશે.
જેમાં પિયત વિસ્તારના ખેડૂતોને હેકટરદીઠ રૂ.૧૩,૫૦૦/-ની સહાય બે હેકટરની મર્યાદામાં, એ જ રીતે ખરીફ સિઝનમાં બિનપિયતથી ખેતી થતી હોય તેવા સંજોગોમાં હેકટરદીઠ રૂ.૬,૮૦૦ ના અને રૂ.૩,૨૦૦ રાજ્ય સરકારના ફંડમાંથી મળી કુલ ૧૦ હજારની પ્રતિહેકટરની સહાય બે હેકટરની મર્યાદમાં ચૂકવાશે. આગામી ૧લી ઓકટોબરથી ખેડૂતોને આ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજીની ચકાસણી બાદ મળવાપાત્ર તમામ ખેડૂતોને ડ્ઢમ્્ દ્વારા તેમના ખાતામાં સીધા જમા કરાવવામાં આવશે.
મંત્રી શ્રી ફળદુએ ઉમેર્યું કે, જે રૂ.૬,૮૦૦/-ની સહાય ની છે એમાં ૭૫ ટકા કેન્દ્ર સરકારના અને ૨૫ ટકા રાજ્ય સરકારનો ફાળો હોય છે. આ પેકેજમાં સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાના તમામ તાલુકાઓને આવરી લેવાયા છે. સાથે સાથે નાનો ખેડૂત હોય તો તેને પણ રૂ.૫,૦૦૦/-ની સહાય આપવાનો નિર્ણય કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ૨,૧૬,૮૬૩ ખેડૂત ખાતેદારોને સીધા ડ્ઢમ્્થી નાણાં જમા કરાવાશે.
મંત્રી શ્રી ફળદુએ ઉમેર્યું કે, કુદરતી આપદામાં અમારી સરકાર ખેડૂતોના પડખે ઊભી છે. ભૂતકાળમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પૂર આવ્યું ત્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી રૂબરૂ જઇ તેમની વચ્ચે રહ્યા હતા. એવું ગુજરાતમાં પહેલીવાર બન્યું છે કે કોઇ મુખ્યમંત્રી પૂર વખતે લોકો વચ્ચે ગયા હોય. ખેડૂતો તો અમારી સરકારથી ખુશ છે પણ વિપક્ષ કેમ ખેડૂતોના નામે પ્રશ્નો ઉભા કરે છે એ મને સમજાતું નથી.
તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં પણ અમારી સરકારે કુદરતી આપદામાં ખાસ પેકેજ ખેડૂતો-નાગરિકોને સહાય થવા જાહેર કર્યા છે. જેમાં વર્ષ ૨૦૧૫-૧૬માં ૨૭૯ કરોડ, વર્ષ-૨૦૧૭-૧૮માં બનાસકાંઠા, પાટણ, મોરબી માટે રૂ.૧૭૦૬ કરોડ, વર્ષ-૨૦૧૮-૧૯માં રૂ.૧૬૭૮ કરોડ અને ગત વર્ષે માવઠા દરમિયાન રૂ.૩૭૯૫ કરોડ મળી અત્યાર સુધીમાં કુલ રૂ.૭૪૫૮ના પેકેજ જાહેર કરીને સહાય પૂરી પાડી છે તેમ તેમણે ઉમેર્યું હતું.