પ્રત્યેક ઘરમાં “નળ સે જળ”ની કામગીરી ઝડપભેર પૂરી કરવા વડોદરા કલેકટરનો અનુરોધ
જિલ્લામાં ૯૬.૯૧ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે.
વડોદરા: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે મંગળવારે સાંજે પ્રાંત અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ બેઠક યોજીને નળ સે જળ અભિયાન હેઠળ તાલુકાવાર નળ જોડાણની કામગીરીની અને જિલ્લાની પ્રગતિ હેઠળની પાણી પુરવઠા યોજનાઓમાં થઈ રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી.યાદ રહે કે જિલ્લામાં નળ સે જળ અભિયાન હેઠળ ૯૬.૯૧ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે.
તેમણે વડોદરા જિલ્લો શક્ય તેટલી ઝડપથી તમામ તાલુકાના તમામ ઘરોમાં નળ જોડાણ અને નળ દ્વારા પાણી પુરવઠાની સુવિધા ધરાવતો જિલ્લો બને એ લક્ષ્ય રાખીને, સમય પત્રક પ્રમાણે આયોજિત કામગીરી પૂરી કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે તાલુકાવાર કામગીરીની સમીક્ષા કરી હતી તથા કામગીરી વધુ વેગવાન કેવી રીતે બનાવી શકાય તેનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે છેવાડાના ગામો અને છેવાડાના ઘરો સુધી નળ દ્વારા પીવાના પાણીની આપૂર્તિ ના સંકલ્પ સાથે બાકી કામગીરી પૂરી કરવા જણાવ્યું હતું.
વડોદરા જિલ્લાના ૬૫૮ ગામોના ૩,૨૬,૭૦૫ ઘરો પૈકી ૩,૧૬,૬૬૬ ઘરોમાં નળ દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. હવે ૧૦,૦૩૯ ઘરોમાં જોડાણ આપવાના બાકી છે જેનું સુચારુ આયોજન કરી દેવામાં આવ્યું છે.
તેમણે જિલ્લાની અમલીકરણ હેઠળની પાણી પુરવઠા યોજનાઓમાં કેટલા ટકા કામગીરી પૂરી થઈ તેની સમીક્ષા કરવાની સાથે યોજનાઓના કામો પૂરા કરવાનું માર્ગદર્શન આપ્યું હતું.