મ્યુનિ.કોર્પાેરેશનની પરવાનગી વિના ચાલી રહેલ કોવિડ હોસ્પિટલ

Files Photo
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, શહેરમાં કોરોનાના (Corona) પોઝીટીવ દર્દીઓને મ્યુનિ.કોર્પાેરેશન (AMC) સંચાલિત હોસ્પિટલો તથા મ્યુનિ.કોર્પારેશન દ્વારા નિયુક્તિ કરવામાં આવી હોય તે હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવે છે.
ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓએ વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. તથા જે હોસ્પિટલો સાથે વિનામૂલ્ય સારવારના કરાર કરવામાં આવ્યા નથી તે હોસ્પિટલોમાં દર્દીઓને રાહતદરે સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા અસારવાના દર નક્કી કરવામાં આવ્યાં છે.
પરંતુ આ તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોય તેવા કિસ્સા પણ બહાર આવી રહ્યાં છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કોવિડ-૧૯ની સારવાર માટે પરવાનગી આપવામાં આવી નથી તેમ છતાં કોવિડના દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે.
જ્યારે બીજા એક કિસ્સામાં મનપા દ્વારા કોવિડ કેર માટે પરવાનગી આપવામાં આવી છે. પરંતુ સારવારના દર નક્કી કરવામાં આવ્યા ન હોવાથી સંચાલકો દ્વારા મનફાવે તેવા ભાવ લેવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યાં છે.
અમદાવાદ (Ahmedabad)શહેરમાં કોવિડ-૧૯ની સારવાર માટે મનપા દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા છે. જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. એમ.ઓ.યુ.કરવામાં આવ્યાં હોય તેવી હોસ્પિટલમાં દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. મ્યુનિ.કોર્પાેરેશને નિયુક્તિ ન કરી હોય તેવી હોસ્પિટલ દ્વારા કોવિડ-૧૯ની સારવાર કરવામાં આવે તો કાયદેસર ગુનો બને છે.
પરંતુ નિકોલ વિસ્તારની એક હોસ્પિટલમાં આ મનપાની પરમીશન વગર કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યાં છે.
![]() |
![]() |
મ્યુનિસિપલ વિપક્ષી નેતા દિનેશભાઈ શર્માએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે નિકોલ ગામમાં “નિકોલ મલ્ટી સ્પેશ્યાલીટી” હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
પૂર્વ ઝોનના ડે.હેલ્થ ઓફીસર ડો.અશ્વિન ખરાડાના મંતવ્ય મુજબ સદર હોસ્પિટલને કોવિડ દર્દીઓની સારવાર માટે પરવાનગી આપવામાં આવી નથી. જ્યારે હોસ્પિટલમાં પાંચ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. હોસ્પિટલ સંચાલકો દ્વારા કોવિડ-૧૯ની સારવાર માટે જાહેરાત પણ આપવામાં આવી રહી છે.
મ્યુનિ.કોર્પાેરેશનની મંજૂરી વીના સારવાર આપી રહેલી હોસ્પિટલ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. નિકોલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની જીંદગી સાથે ચેડાં થઈ રહ્યાં હોવા છતાં તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.