લો…બોલો…કીડીખાઉં તસ્કરી રેકેટની તપાસ કરી રહેલા RFOની રિવોલ્વર ગુમ થતા ચકચાર
પ્રતિનિધિ દ્વારા ભિલોડા, અરવલ્લી વનવિભાગ તંત્રેએ રતનપુર ચેકપોસ્ટ નજીકથી સેન્ટ્રો કારમાંથી બે મૃતક કીડીખાઉ સાથે એક શખ્શને ઝડપી લીધો હતો. સેન્ટ્રો કારમાં રહેલા અન્ય બે શખ્શો વનવિભાગની ટીમને ચકમો આપી ફરાર થઈ ગયા કીડીખાઉની તસ્કરીમાં આંતરરાજ્ય રેકેટ ચાલતું હોવાની સાથે કીડીખાઉને ખરીદનાર ટ્રેડરને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
વન્યજીવોની તસ્કરીની આંતરાષ્ટ્રીય રેકેટ હોય ગાંધીનગર વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ આ તપાસમાં જોતરાયા છે અને અરવલ્લી જીલ્લા વનવિભાગ તંત્ર રાજસ્થાન,ઉત્તરાખંડ સહીત સંભવીત સ્થળે તપાસ માટે દોડાદોડી કરી રહી છે ત્યારે શામળાજી આરએફઓ પ્રિયંક પટેલની રિવોલ્વર બે દિવસ પહેલા ગુમ થઇ જતા સંભવિત સ્થળોએ રિવોલ્વર શોધવા દોડધામ કર્યા બાદ ન મળતા આખરે તેમને શામળાજી પોલીસને રિવોલ્વર ગુમ થયાની જાણ કરી હતી
કીડીખાઉં તસ્કરી ઝડપી પાડનાર શામળાજી વનવિભાગ તંત્રના આરએફઓ પ્રિયંક પટેલ તેમની ટીમે આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરવા અને કીડીખાઉંની તસ્કરીમાં સંડોવાયેલ આરોપીની શોધખોળ કરી રહ્યા છે ત્યારે રાજસ્થાનના ખેરવાડા વિસ્તારમાં રિવોલ્વર ગુમ થઇ જતા આરએફઓ ભારે હોફળા ફોફળા બન્યા હતા અને સંભવિત તમામ સ્થળોએ રિવોલ્વર શોધવા દોડધામ કર્યા પછી બે દિવસ બાદ શામળાજી પોલીસ સ્ટેશને સર્વિસ રિવોલ્વર ગુમ થઇ હોવાની લેખિત જાણ કરતા શામળાજી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગે આરએફઓ પ્રિયંક પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમની સર્વિસ રિવોલ્વર ગુમ થયા અંગે સ્વીકારી રહેવા દો આમાં કઈ લખવા જેવું નથી કહી ઘટનાને ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કર્યો હતો.