પાકિસ્તાને બોટ પર ફાયરિંગ કરીને ખલાસીને ઘાયલ કર્યો
પોરબંદર: પાકિસ્તાન મેરી ટાઈમ સિક્યુરિટી એજન્સીની નાપાક હરકત સામે આવી છે. આઈએમબીએલ નજીક ભારતીય બોટ પર ફાયરિંગ કરાયું છે. પોરબંદરની બોટ પર પાકિસ્તાની એજન્સીના કર્મચારીઓએ ફાયરિંગ કર્યું હતું, જેમાં પોરબંદરના એક ખલાસીને ગોળી વાગી હોવાનું પણ સામે આવ્યું છે. અનેકવાર એવું બન્યું છે કે, પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા અનેકવાર ભારતીય માછીમારોને પકડીને બંધક બનાવવામાં આવ્યા છે.
પાકિસ્તાની મરીન એજન્સીના જવાનો ભારતીય સીમામાં ઘૂસીને પણ માછીમારોને પકડતા હતા. તેઓ માછીમારોને બંધક બનાવીને વર્ષો સુધી પાકિસ્તાનની જેલમાં રાખે છે. ત્યારે હવે ફરીથી માછીમારીની સીઝન શરૂ થઈ છે. માછીમારીની સિઝન શરૂ થયાના પ્રારંભમાં જ તાજેતરમાં પ્રથમ છ અને બીજી વખત ૧૦ બોટ સાથે માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હોવાનો બનાવ બન્યો હતો.
ત્યારે બુધવારે રાત્રિના સમયે ભારતીય સીમામાં માછીમારી કરી રહેલ પોરબંદરની બોટ પર પાકિસ્તાની એજન્સીના જવાનો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોરબંદરના માછીમારો માછીમારી કરી રહ્યા હતા તે સમય દરમ્યાન પાકિસ્તાન મરિન સિકયુરિટી એજન્સી ઘસી આવી હતી. પાકિસ્તાની કર્મચારીઓએ બોટ પર કરેલા ફાયરિંગમાં એક ખલાસી ઘાયલ થયો છે. બોટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ મનીષભાઈ લોઢારી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.