પોલીસ સ્ટેશન બહારથી ચોરે કોન્સ્ટેબલનું સ્કૂટર ચોર્યું
અમદાવાદ: શહેરમાં ઘરફોડ કરતા તત્વોએ આતંક મચાવ્યો છે. ઘરફોડ કરનારાઓ બાદ હવે વાહનચોરો પણ જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક ગુનાને અંજામ આપી રહ્યા છે. હાલ એવી છે કે હવે પોલીસ સ્ટેશન બહાર પણ વાહન પાર્ક કરવું સુરક્ષિત નથી! કેટલાક દિવસ અગાઉ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન બહારથી બાઇકની ચોરીનો બનાવ બન્યો હતો. પશ્વિમ મહિલા પોલીસ સ્ટેશન બહારથી કોન્સ્ટેબલના સ્કૂટરની ચોરીનો બનાવ સામે આવ્યો છે. પશ્વિમ મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સાદિક મોહમ્મદ ગુલઝારખાન પઠાણ ૧૯મી સપ્ટેમ્બરના રોજ સવારે ફરજ પર આવ્યા હતા.
આ દરમિયાન તેમણે પોતાનું એવિયટર સ્કૂટર મહિલા પોલીસ સ્ટેશનના ફૂટપાથ પર પાર્ક કર્યું હતું. જોકે, બપોરે જમવાના સમયે ટિફિન લેવા માટે બહાર આવતા તેમનું એવિયટર જોવા મળ્યું ન હતું. જે બાદમાં તેઓએ સીસીટીવી ફૂટેજ પણ તપસ્યા હતા. જોકે, તેમણે જે જગ્યાએ સ્કૂટર પાર્ક કર્યું હતું તે જગ્યા સીસીટીવીમાં કવર થતી ન હોવાથી કોઈ હકીકત જાણવા મળી ન હતી.
જ્યારે આસપાસમાં ટોઈંગ સ્ટેશન પર પણ તપાસ કરતા સ્કૂટર મળી આવ્યું ન હતું. જે બાદમાં તેઓએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સ્કૂટર ચોરીની ફરિયાદ દાખલ કરાવી છે. ચોરી થયેલા સ્કૂટરમાં પોલીસનો ડ્રેસ, નેમપ્લેટ, કેપ, બેલ્ટ, આર.સી. બુક, પોલીસ વેલ્ડરની બુક અને ટિફિન હતું. આ વસ્તુઓનો કોઈ દુરુપયોગ ન થાય તે માટે પોલીસ કોન્સ્ટેબલે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.