Western Times News

Gujarati News

ભારતમાં નવા કેસની સરખામણીએ સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 74% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી

સરકારની કેન્દ્રિત વ્યૂહનીતિ અને અસરકારક પ્રજાલક્ષી પગલાંઓના પરિણામે ભારતમાં કોવિડમાંથી દર્દીઓ સાજા થવાની સંખ્યામાં પ્રચંડ વધારો થઇ રહ્યો છે.

સળંગ છ દિવસથી ભારતમાં નવા કેસની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઇ છે. ગઇકાલે સૌથી વધુ જેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેવા સાત રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે યોજાયેલી પ્રધાનમંત્રીની સમીક્ષા બેઠકમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે અનુસાર ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, સર્વેલન્સ અને સ્પષ્ટ સંદેશાવ્યવહારના કારણે આ સફળતા પ્રાપ્ત થઇ શકી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 87,374 દર્દીઓ સાજા થઇ ગયા હોવાનું નોંધાયું છે જ્યારે નવા નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા 86,508 છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 46.7 લાખ કરતાં વધારે (46,74,987) દર્દીઓ સાજા થઇ ગયા છે. હાલમાં દેશમાં સાજા થવાનો દર વધીને 81.55% સુધી પહોંચી ગયો છે.

ભારતમાં નવા નોંધાતા કેસની સરખામણીએ સાજા થતા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઇ રહી હોવાથી, સાજા થયેલા અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા (46,74,987) સક્રિય કેસની સંખ્યા (9,66,382)ની સરખામણીએ 37 લાખ કરતાં પણ વધારે છે. આનાથી એ પણ સુનિશ્ચિત થયું છે કે, દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનું ભારણ માત્ર 16.86% રહ્યું છે. આ ભારણમાં એકધારો ઘટાડો થઇ રહ્યો છે.

રાષ્ટ્રની સાથે-સાથે 13 રાજ્યોકેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે જ્યાં નવા કેસની સરખામણીએ નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઇ રહી છે.

નવા સાજા થયેલા કેસમાંથી લગભગ 74% દર્દીઓ 10 રાજ્યોકેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હોવાનું નોંધાયું છે. મહારાષ્ટ્રમાં સતત છઠ્ઠા દિવસે સૌથી વધુ 19,476 દર્દીઓ (22.3%) સાજા થયા હોવાનું નોંધાયું છે.

કેન્દ્રના નેતૃત્વ હેઠળ “ચેઝ ધ વાઇરસ” અભિગમ પર કેન્દ્રિત ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની સક્રિય તેમજ સુધારેલી વ્યૂહનીતિના પરિણામે આ એકધારા પ્રોત્સાહક પરિણામો મળી શક્યા છે. અતિ અને સઘન પરીક્ષણ દ્વારા વહેલા નિદાન, તાત્કાલિક સર્વેલન્સ અને ટ્રેકિંગ તેમજ કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા દેખરેખ પ્રોટોકોલના માપદંડો દ્વારા ઉચ્ચ ગુણવત્તાની તબીબી સંભાળના કારણે સાજા થનારા દર્દીઓની ઉંચી સંખ્યા પ્રાપ્ત કરવામાં મદદ મળી છે.

હોસ્પિટલોમાં સુધારેલી અને અસરકારક તબીબી સારવાર, હોમ આઇસોલેશનમાં સતત દેખરેખ, નોન-ઇન્વેઝિવ ઓક્સિજન સપોર્ટનો ઉપયોગ, સ્ટિરોઇડ્સનો ઉપયોગ, એન્ટી-કોગ્લન્ટ્સ અને દર્દીઓને તાત્કાલિક લઇ જવા માટે અને સમયસર સારવાર મળી રહે તે માટે સુધારેલ એમ્બ્યુલન્સ સેવાઓ પર કેન્દ્ર અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા એકધારું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ASHA કામદારોની અથાક કામગીરીના કારણે દેખરેખ સાથેના હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓના અસરકારક સર્વેલન્સ અને ટ્રેકિંગની પ્રગતિ સુનિશ્ચિત થઇ શકી છે.

‘ઇ-સંજીવની’ નામના ડિજિટલ પ્લેટફોર્મના કારણે ટેલિ-મેડિસિન સેવાઓ પણ શક્ય બની છે જે કોવિડનું સંક્રમણ ફેલાતું રોકવામાં ખૂબ જ સફળ છે જ્યારે સાથે-સાથે, બિન-કોવિડ આવશ્યક આરોગ્ય સંભાળ સેવાઓ પણ તેના દ્વારા પૂરી પાડવાનું શક્ય બન્યું છે. કેન્દ્રએ ICUનું વ્યવસ્થાપન કરી રહેલા ડૉક્ટરોની તબીબી વ્યવસ્થાપન ક્ષમતાઓનું નિર્માણ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ‘કોવિડ-19 વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય e-ICU’ કવાયત નવી દિલ્હી સ્થિત એઇમ્સના જે-તે ક્ષેત્રોના નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવે છે જેના કારણે ખૂબ જ મદદ મળી છે. અત્યાર સુધીમાં આવા 20 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 28 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની 278 સંસ્થાઓ અને ઉત્કૃષ્ટતા કેન્દ્રોને સમાવી લેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.