લોક સુનાવણી રાખી સમસ્યા સાંભળવાને બદલે કલેક્ટર પોતે જ ચાલ્યા ગયા
સેલવાસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘન કચરાના વ્યવસ્થાપન માટે ખરડપાડા ગામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ પ્લાન્ટનો ખરડપાડા ગામના ગ્રામજનો તેમજ ગુજરાતના અંકલાસ સહિતના સરહદી ગામોના લોકો બે વર્ષથી વિરોધ કરતા આવ્યા છે.
જે અંતર્ગત 24 મી સપ્ટેમ્બરે ખરડપાડા ગ્રામ પંચાયત ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં પોલ્યુશન કન્ટ્રોલ કમિટી, પ્લાન્ટનું હેન્ડલિંગ કરનાર મેસર્સ રુર્બન ક્લીનટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અધિકારીઓએ આસપાસના ગામલોકો સાથે લોક સુનાવણી યોજી હતી.
જોકે, લોક સુનાવણીમાં ગામ લોકોનો વિરોધ થતાં કલેકટરે 20 મીનિટ માટે હાજરી પુરાવી ગામની જે પણ સમસ્યા હશે. તે નિવારવા આવશે અને કાનૂની કાર્યવાહી કરીશું જેવી વાતો કરી સુનાવણીનો હવાલો RDC ને સોંપી રવાના થયા હતા.
લોક સુનાવણીમાં ખરડપાડા ગામના સરપંચ, ઉપસરપંચ, ગુજરાતના અંકલાશ સહિતના ગામોના સરપંચ, ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સોલિડવેસ્ટ પ્લાન્ટથી ગામ લોકોને પડતી પાણીના તળ ખરાબ થવાની, દુર્ગંધનો ત્રાસ, માખી મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓ રજૂ કરી આ પ્લાન્ટ અન્યત્ર ખસેડવા ઉગ્ર રજૂઆત કરી ડમ્પિંગ સાઇટનો વિરોધ નોંધાવ્યો હતો.
આ અંગે લોક સુનાવણીમાં ડમ્પિંગ સાઇટના કોન્ટ્રાક્ટર રૂર્બન પ્રાઇવેટ લિમિટેડના MD સહિતના અધિકારીઓએ પ્લાન્ટથી થનારો ફાયદો અને જે સમસ્યા નડી રહી છે. તેનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
જોકે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટથી ગામ લોકોને અનેક સમસ્યા છે, તો સામે આ પ્લાન્ટની આઠ જેટલી એન.ઓ.સી જેમાં પર્યાવરણીય મંજૂરી, ગ્રામ પંચાયતની મંજૂરી, દમણગંગા નહેર વિભાગ, મધુબન ડેમ વિભાગ, ફોરેસ્ટ વિભાગ સહિતની તમામ એન.ઓ.સી. અંગે કોઇ ખુલાસો કર્યો નહોતો અને સેલવાસ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ઓળીયોઘોળીયો નાખ્યો હતો.
તો ગામલોકોના જણાવ્યા પ્રમાણે આ ડમ્પિંગ સાઇટ પ્રશાસને તાનાશાહીના ધોરણે ઊભી કરી છે. નિયમો મુજબ નદીનાથી અને રહેણાંક વિસ્તારથી ડમ્પિંગ સાઇટ દૂર હોવી જોઈએ જે અહીં નજીક છે અને તેના કચરાનું ગંદુ પાણી જળચર જીવનું નિકંદન કાઢી રહ્યું છે.
લોકોનું પીવાનું પાણી બગાડ્યું છે, ત્યારે વડાપ્રધાને જ અંધારામાં રાખી જે સાઇટનું ઉદ્ઘાટન કરી નાખ્યું હોય તે પ્રશાસન ગામ લોકોની વાત માની ડમ્પિંગ સાઈટ બંધ કરે તેવું હાલના તબક્કે દેખાતું નથી. ગામલોકોએ પારાવાર મુશ્કેલી ભોગવવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાનો અહેસાસ આ લોક સુનાવણીમાં કર્યો હતો.