ચોટીલામાં અંગત અદાવતમાં યુવકની હત્યા, મહિલા ઘાયલ
સુરેન્દ્રનગર: જિલ્લામાં જૂથ અથડામણના અનેક બનાવો સામે આવતા રહે છે. જિલ્લાના ચોટીલા ખાતે અંગત અદાવતમાં જૂથ અથડામણનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આ અથડામણમાં એક યુવકનું મૃત્યુ થયું છે, જ્યારે એક મહિલાને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ ઝઘડો કયા કારણે થયો હતો તે અંગે હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે ચોટીલામાં અંગત અદાવતમાં લોહિયાળ જંગ ખેલાયો હતો. લોહિયાળ જંગમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે.
આ બનાવમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. મહિલાને સારવાર માટે ગંભીર હાલતમાં રાજકોટ ખસેડવામાં આવી છે. આ મામલે ચોટીલા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી લૂંટ, મારામારી જેવા બનાવોમાં સતત વધારો થયો છે. પોલીસનો જાણે કોઈ ડર જ ન રહ્યો હોય તેમ એક પછી એક આવા બનાવો સામે આવી રહ્યા છે. આ મામલે મૃતક યુવકના કાકા મુસ્તાકભાઈએ જણાવ્યું હતું કે, ફૈઝલ અને ઝુબેલાબેનને ધારીયું વાગ્યું છે. ફૈઝલનું નિધન થયું છે.
ઝઘડાનું કારણ હજી સુધી માલુમ નથી પડ્યું. ફૈઝલ મારા ભાઈનો દીકરો છે, જ્યારે ઝૂબૈલાબેન મારા ભાભી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી અથડામણ અને હુમલાનો બનાવો વધ્યા છે. ગત ૧૦મી સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાન જીણાભાઈ ડેડવારિયા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગનો બનાવ બન્યો હતો.
મોડી રાત્રે તેઓ ગાંધીનગર ખાતેથી પોતાના વતન ચોટીલા ખાતે કાર મારફતે પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમની કાર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જીણાભાઈ પર ચુડા પાસે નવી મોરવાડ રોડ ઉપર ફાયરિંગ થયું હતું. જીણાભાઈ ડેડવારિયા ચોટીલાના કાૅંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ઋત્વિક મકવાણા સામે વર્ષ ૨૦૧૭માં ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. જીણાભાઈની ગણતરી જિલ્લા ભાજપના અગ્રણી નેતાઓમાં થાય છે.