HTC કાપડના વેપારી સાથે ૧૧.૪૪ કરોડની છેતરપિંડી
સુરત: સુરતના શહેરમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે ફરી સંક્રમણ વધ્યુ છે. એક બાજુ કેસની સંખ્યા વધતા લોકોના જીવ તાળવે છે ત્યારે અનેક લોકો જીવના જોખમે ધંધો કરી રહ્યા છે. જોકે, કેટલાક ઠગ વેપારીઓએ આ બાબતને આફતમાં અવસરમાં પલટી અને ઉઠમણા કરી અને નાસી જતા હોય છે. ત્યારે આવો જ કિસ્સો કાપડ માર્કેટમાં બન્યો છે. જ્યાં શહેરની એચટીસી માર્કેટના વેપારીઓનું પેમેન્ટ અટકાવીને ૧૧.૪૪ કરોડનો ચૂનો ચોપડીને કરૂંભગતો રફૂચક્કર થઈ ગયા છે.
આંજણા સ્થિત એચટીસી માર્કેટના સંખ્યાબંધ સાડી વેપારી અને એમ્બ્રોઇડરી જોબવર્ક કરનારાઓનું પેમેન્ટ ચૂકવ્યા વિના ફરાર થઈ જતા બે વેપારી અને ૩૧ જોબવર્ક કરનારાઓના રૂ.૧૧.૪૪ કરોડ ફસાયા છે. આ અંગે બે વેપારીએ ફરાર વેપારી, પરિવારજનો અને બે દલાલ વિરુદ્ધ રૂ.૧૧.૪૪ કરોડની છેતરપિંડીની બે ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાવી છે.
બનાવની વિગત એવી છે કે સુરતના આંજણા સ્થિત એચટીસી માર્કેટમાં રિદ્ધિ ટેક્ષ્ટાઈલ અને અને રોનક ક્રિએશનના નામે કાપડના વેપાર કરતા કૈલાશ વિજયરાજ ભાદાણીએ થોડા દિવસો અગાઉ ઉઠમણું કરતા માર્કેટના સંખ્યાબંધ સાડી વેપારી અને સાડી ઉપર એમ્બ્રોઇડરી જોબવર્ક કરનારાઓના કરોડો રૂપિયા ફસાયા હતા.
સુરતના વેસુ આગમ ક્રોસ રોડની સામે સ્ટાર ગેલેક્સી ડી-૭૧૬ માં રહેતા અને રીંગરોડ અનુપમ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં જીએસ સીન્થેટીક્સના નામે સાડીના વેપાર કરતા જીતેન્દ્રકુમાર રઘુનંદપ્રસાદ ગુપ્તા પાસેથી બિહારના શહરશાહમાં શ્રી હનુમાન ટેક્ષ્ટાઇલના નામે દલાલીનું કામ કરતા પરિચિત દલાલ પ્રતાપ જૈને ગત ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ થી ૪ સપ્ટેમ્બર દરમિયાન કુલ ૪,૯૬,૭૫,૩૮૪ની મત્તાની સાડી કૈલાશ ભાદાણી, તેની પત્ની સોનુ, પિતા વિજયભાઈ અને સસરા સમરથલ ચોરડીયાને અપાવી હતી.
જોકે, તમામે તેનું પેમેન્ટ કર્યું ન હતું અને ૧૫ દિવસ અગાઉ જીતેન્દ્રકુમારને દુકાને બોલાવી કૈલાશે સાઢુભાઈ અરવિંદ જૈન સાથે વાત કરવા કહ્યું હતું. અરવિંદે રૂ.૧ કરોડમાં સેટલમેન્ટ કરવા કહેતા કૈલાશભાઈએ ના પાડી તો તમામે તેમને ધમકી આપી હતી અને બાદમાં ઉઠમણું કર્યું હતું.