નવરાત્રીમાં સિનેમા ઘરોમાં નવી શરૂઆત થઈ શકે છે
અમદાવાદ: ગુજરાતના સિનેમાઘરો આખરે ક્યારે ચાલુ થશે? આ સવાલ તમામ મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘરોના માલિકોને છે. સિનેમાઘરો ૬ મહિનાથી ૧૫૦૦ કરોડનું નુકસાન કરી ચૂક્યા છે પરંતુ માલિકોને આશા છે કે નવરાત્રીમાં સિનેમાઘરોને જો છૂટ મળી જાય તો ફરી એક વાર બિઝનેસમાં સ્પાર્ક આવી શકે છે. અમદાવાદમાં ૫૦ થિયેટરોની કફોડી હાલતને કારણે લગભગ ૪૫ ટકા કર્મચારીઓએ જોબ છોડી હોવાની વાત સામે આવી છે. લૉકડાઉન અને અનલૉકના મહિનામાં ૧૫૦૦ કરોડનું નુકશાન થયું છે.
જેને લઇને હવે થિયેટર માલિકો વિચારી રહ્યા છે કે જો નવરાત્રીની નવી શુરુઆત થાય તો સિનેમા ઘરની દશા સુધરી શકે. આ માટે હાલ કેન્દ્ર અને ગુજરાત સરકાર સિનેમાઘરોનો સર્વે પણ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનું સંક્રમણ વધતા દેશભરમાં ૧૬ માર્ચથી મલ્ટીપ્લેક્સ થિયેટરો બંધ કરી દેવામાં આવ્યા હતા. અનલૉક-૪ બાદ હજુ પણ ચાલુ થયા નથી. તેને લઈને સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ થિયેટર જગતમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
ગુજરાતમાં આવેલા ૨૫૦ જેટલા મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટર માલિકોને મોટુ નુકસાન થયું છે. અમદાવાદના એસજી હાઇવે પર આવેલા વાઇડ એેંગલના માલિક રાકેશ પટેલનું કહેવું છે કે જો થિયેટર ખુલશે તો પણ દિવાળી સુધી માહોલ નહીં જામે.
લોકોને ઓટી પ્લેટફોર્મ પર ફિલ્મો જોવાની ટેવ પડી છે ત્યારે થિયેટર હાઉસફૂલ કેવી રીતે થશે તે ચિંતાનો વિષય છે. સામાન્ય અંદાજ મુજબ અમદાવાદના એક મલ્ટીપ્લેક્સમાં સો થી દોઢસો જેટલા કર્મચારીઓ કામ કરતાં હોય છે. જેનો સરવાળો કરીએ તો સમગ્ર રાજ્યમાં ૨૦૦૦૦ જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જેમાંથી ૪૦% કર્મચારીઓએ પગારના મળવાને કારણે નોકરી છોડી દીધી છે જ્યારે કેટલાક કર્મચારીઓ આજે પણ ૫૦ ટકા સેલરી મેળવી રહ્યા છે.