નાના ખેડૂતોના લાભમાં દાયકાઓમાં પહેલી વાર કાયદો બન્યો : મોદી
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિપક્ષ પર ખેડૂતોના ખભે બંદૂક ફોડવાનો અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે તેમની સરકારે પોતાના રાજકીય હિતોને બાજુ પર મૂકીને અને દાયકાઓમાં સૌપ્રથમ વખત નાના, સિમાંત ખેડૂતો અને ખેત મજૂરોના લાભમાં કોઈ કાયદો બનાવ્યો છે.
કૃષિ બિલો અને મજૂર કાયદાઓનો બચાવ કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં તેમની સરકાર જે સુધારા લાવી છે તે નાના અને સિમાંત ખેડૂતોના લાભમાં છે અને દેશમાં 100માંથી 85 ટકા ખેડૂતો આ કેટેગરીમાં આવે છે.
આ કૃષિ બિલો સામે કોંગ્રેસ અને વિપક્ષના આકરા વિરોધ વચ્ચે મોદીએ તેમની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે, ખેડૂતો અને મજૂરોના નામે રાજ્યો અને કેન્દ્રમાં અનેક સરકારો આવી, પરંતુ તેમને શું મળ્યું? કશું જ નહીં, આ સરકારોએ માત્ર એવા વચનો આપ્યા છે, જે ખેડૂતો કે મજૂરો સમજી શક્યા નથી.