લોક જાગૃતિને અગ્રતા આપીને અસ્ખલિત રીતે સાવચેતીનું અધ્યયન કરાવી રહ્યા છે પાંચ કોવિડ વિજય રથ
રથ પ્રજામાં જાગૃતિ અંગેની અનિવાર્યતા અને માસ્કની ઉપયોગિતાનું જ્ઞાન પ્રસરાવી રહ્યા છે
ગુજરાતના તમામ જિલ્લાઓના ગામડાઓ સુધી કોરોના જાગૃતિનો સંદેશનો પ્રચાર-પ્રસાર કરવા કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો અને યુનિસેફ દ્વારા કોવિડ વિજય રથ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે એકવીસમા દિવસે વિજય રથની કૂચ રાજ્યના સીમાડાના જિલ્લામાં પહોંચી હતી અને ગામેગામ લોકોમાં વિના મૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કર્યું હતું.
આજે એકવીસમા દિવસે રથ પ્રસ્થાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલ ગઢડા સરકારી આરામગૃહ ખાતેથી કરવામાં આવ્યું. બોટાદ જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી વાલજીભાઇએ લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન રથે ગઢડાના પોલીસ સ્ટેશન ચોક, વડલીવાળો ચોક, ભડલી ચોક, બોટાદ ઝાંપો, આંબેડકર નગર, આયર વાસ વગેરે વિસ્તારમાં ભ્રમણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ પોતાની કળાના માધ્યમથી લોકોને કોરોના અંગે સાચી માહિતી આપી હતી.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના પી.આઈ.બી અને આર ઓ બી, ગુજરાત એકમના વડા, અપર મહાનિદેશક ડૉ. ધીરજ કાકડિયાએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વિસ્તારમાં તેમની મુલાકાત દરમિયાન લોકોનો સંપર્ક કરીને ભારત સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલ વિશે વાત કરી, કોરોના સંકટ દરમિયાન લોકોને સહારો રહે
તે અંગે લોકોને ધૈર્ય તથા સાવધાની રાખવાની પણ તેમણે વાત કરી. તેમણે પ્રજા લક્ષી, પ્રજાના હિતમાં થઇ રહેલા કામ અંગે પણ લોકો જોડે ચર્ચા કરી. તેમણે ત્યાંના સ્થાનિકોમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કર્યુ હતું. મુલાકાત દરમિયાન કોવિડ વિજય રથમાં સવાર કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો અને આગામી દિવસોમાં રથ બીજા ગામોમાં જઈને કોવિડ અંગે લોકોને જાગૃત કરે અને સાવચેતી, સલામતી અને સુરક્ષાનો સંદેશ અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે એવી શુભકામનાઓ આપી હતી.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સ્થાનિક વડીલ શ્રી મહેન્દ્રકુમાર ડી વરીઆએ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. લીમખેડા તાલુકાના અંતેલા ગામ તેમજ દેવગઢ બારીયા તાલુકાના પટેલ ફળીયા ભુલ્લર ગામ, ડાંગરીયા વગેરે ગામોમાં 48 કિલોમીટર સુધી ભ્રમણ કર્યું હતું.
સમગ્ર દિવસ દરમિયાન રથ પર સવાર કલાકારોએ પોતાની વિવિધ કળા દ્વારા તેમજ સ્ટેન્ડી મૂકીને કોરોના જાગૃતિનો સંદેશ અને પોષણનો મહિમા સમજાવ્યો હતો તેમજ માસ્કનું વિતરણ પણ કર્યું હતું.
મહેસાણા જિલ્લાના વિજાપુર નગરપાલિકાથી રથે પ્રસ્થાન કર્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. વિજય પટેલ, તાલુકા સુપરવાઈઝર શ્રી મુકેશ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ શ્રી રેનું સિહ ઠાકોરે રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. કહીપુર, મહાકાળી સોસાયટી, જંત્રાલ, વગેરે ગ્રામ્ય વિસ્તારમાં ભ્રમણ કરીને લોકોને બાળકોમાં અને મહિલાઓમાં યોગ્ય પોષણનો મહિમા સમજાવ્યો હતો.
મોરબી જિલ્લા પંચાયતથી આજે એકવીસમા દિવસે પોતાની યાત્રા શરુ કરી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીએ લીલી ઝંડી બતાવી રથ રવાના કર્યો હતો. રથ પર સવાર કલાકારોએ ભવાઈ દ્વારા લોકોને કોરોનાના લક્ષણ અંગે તેમજ સાવચેતીના કયાં ઉપાયો હાથ ધરવા તેના વિશે અને સરકારની વિવિધ પહેલની જાણકારી આપી લોકોને માહિતગાર કર્યા હતા.
“સાવચેતીને સંગ, જીતીશુ જંગ” ના ધ્યેય મંત્ર સાથે આજે ડાંગમાં કોવિડ વિજય રથનું આગમન થયું હતું. સુબિર તાલુકાના સિંગાણા ગામે રથનું આગમન થતા ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ કોરોના સામેની સાવચેતી સહિત કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. રથના માધ્યમથી ગ્રામજનોને ફેસ માસ્ક સહિત જનજાગૃતિનો સંદેશ આપતા સાહિત્યનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન સિંગાણા ઉપરાંત જામાલા, નિશાણા, ઝરણ, અને સુબિર ગામમાં ભ્રમણ કરીને કલાકારો પરંપરાગત સંચારનું માધ્યમ ભવાઈ દ્વારા લોકો સુધી સંદેશ પહોંચાડ્યો હતો. સાથે જે ત્યાંના સ્થાનિકોમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કર્યુ હતું.
આમ 44 દિવસના આ અભિયાનના સળંગ એકવીસમા દિવસે 5 કોવિડ વિજય રથે ગુજરાતના દૂરસુદુરના ગામડાઓમાં જઈને કોરોના અંગે લોકોને જાગૃત કર્યા હતા. આ સમગ્ર યાત્રા દરમિયાન કલાકારોએ સામાજિક અંતર અને કોવિડ માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કર્યું હતું.