મજૂરો સાઇટ પર કામ કરીને આસપાસ ચોરી કરતા હતા
રાજકોટમાં ચોર ટોળકીની ધરપકડ-આરોપીઓ પાસેથી ૧૭ હજારના સોનાના દાગીના, ૩૫ હજારની રોકડ સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો
રાજકોટ, રાજકોટના પ્રધુમનનગર પોલીસે ચોર ટોળકીની ધરપકડ કરી છે. રેલનગરમાં આવેલ મહર્ષી અરવિંદ ટાઉનશીપની પાછળના ભાગે અમૃત સરોવર રેસિડેન્સીમાં એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે.
જ્યાં મજૂરી કામ કરી ત્યાં જ રહેતાં ઓરિસ્સાના શખ્સો ચોરી કરતાં હોવાની ચોક્કસ બાતમીને આધારે પ્ર.નગર પોલીસે ત્રણ શખ્સો પબિત્ર ઉર્ફ પવિત્ર નાગ, અજય ગજીન નાગ, ગોરધન ઉર્ફ પિન્ટૂ નિત્યાનંદ પાત્રને સકંજામાં લઇ પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ પ્ર.નગર વિસ્તારમાં બે મકાનમાં થયેલી ચોરીની કબુલાત આપી હતી.
વધુ પુછતાછ થતાં ચોરેલી રકમમાંથી ૧૭ હજારના સોનાના દાગીના, ૩૫ હજારની રોકડ તથા બીજા ગુનાના રૂપિયા ૧૫ હજાર રોકડા કાઢી આપતાં આ મુદ્દામાલ કબ્જે કરી ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.આ ત્રણેય જે વિસ્તારમાં બાંધકામની સાઇટ ચાલુ હોય ત્યાં મજૂરીએ રહી જતાં હતાં અને આસપાસના બંધ મકાનોની રેકી કરી લઇ રાત્રીના સમયે વંડી ઠેંકી સળીયા-ગણેશીયાથી તાળા તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે.
આજુબાજુના દરવાજો અંદરથી બંધ હોય તો બહારથી આંગળીયો મારી દેવાની પણ ટેવ ધરાવે છે. હાલ તો પોલીસે ઓરિસ્સાની ચોર ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અને અગાવ પણ આ ચોર ગેંગ દ્વારા કઈ કઈ જગ્યાઓ પર ચોરી કરી છે ઉપરાંત આ ગેંગમાં વધુ કોઈ સભ્ય સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. પોલીસે આરીપીઓનો પાસેથી ચોરીનો સામાન પણ કબ્જે કર્યો છે.