વલસાડના ધારાસભ્યના ઘર નજીક દીપડાનાં આંટાફેરા
વલસાડ, શહેરના છેવાડાના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડો દેખાયો હોવાને કારણે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છે. જોકે, હવે દીપડો વલસાડના ધારાસભ્ય ભરત પટેલના ઘર નજીક દેખાતા જ દોડધામ મચી ગઇ હતી. મહત્વપૂર્ણ છે કે, ભાગડાવડા ગામ વલસાડ શહેરને અડીને આવેલું ગામ છે અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલનું નિવાસસ્થાન પણ આ જ વિસ્તારમાં છે.
આથી આ રહેણાંક વિસ્તારમાં ધારાસભ્ય ભરત પટેલના ઘરની પાછળના કમ્પાઉન્ડ વોલ પર દીપડો દેખાતાં જ દોડધામ મચી ગઇ હતી. મહત્વપૂર્ણ છે કે, થોડા દિવસ પહેલા પણ વલસાડ શહેરની પોલિટેકનિક કોલેજ નજીક પણ રાત્રે રસ્તા પર દીપડો દેખાયો હતો. જેને કારણે લોકોમાં ભયનો માહોલ હતો.
જોકે, હવે દીપડો ધારાસભ્યના ઘર નજીક આંટાફેરા મારી રહ્યો હોવાની જાણ થતા જ વનવિભાગ આજ સવારથી દોડતું થયું હતું અને છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં દેખાતા દીપડાને ઝડપવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. વલસાડના ધારાસભ્ય ભરત પટેલના ઘર નજીક વનવિભાગે દીપડાને ઝડપવા માટે પાંજરૂ ગોઠવ્યું છે.
મહત્વપૂર્ણ છે કે, આ આગાઉ પણ અનેક વખત વલસાડ શહેરના રહેણાંક વિસ્તાર નજીક દીપડો દેખાતા હોવાથી અનેક ઘટનાઓ બની ચૂકી છે. જોકે આ વખતે વલસાડના ધારાસભ્યના ઘર નજીક દીપડાનાં આંટાફેરાની જાણ થતાં જ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી અને પાંજરૂ ગોઠવ્યું છે.