કાર ફંગોળાતા એકનું મોત અને ત્રણને ગંભીર ઈજા થઈ
અમદાવાદ: અમદાવાદમાં એક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. રવિવારે શહેરનાં રાજપથ ક્લબ સામે ફૂલ સ્પિડમાં આવતી કારના ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
બીજીતરફ કાર ડિવાઇડર તોડીને સામેની બાજુ પહોચી જતાં કાર ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે તે ચારવાર પલટી મારી ગઈ હતી અને ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર જતી રહી હતી. એસજી હાઇવે ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ કરી હતી. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે, નવરંગપુરામાં રહેતા ૨૪ વર્ષનાં કિશન અશ્વિનભાઇ પટેલ રવિવારે બપોરે ફૂલ સ્પિડમાં કાર લઇને ઇસ્કોનથી થલતેજ તરફ જઇ રહ્યા હતા.
તે દરમિયાન સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કારે એક્ટિવાને ટકકર મારી હતી. કારની સ્પિડ જ એટલી હતી કે તે એક્ટિવાને ટક્કર મારીને ચારવાળ ફંગોળાઇ અને સામેની બાજુ જતી રહી. આ કારે ચાંદલોડિયામાં રહેતા એક્ટિવા ચાલક ૨૪ વર્ષના ઋત્વિક કાળીદાસ પટેલ ૫૦ મીટર સુધી ઢસડાતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું.
જયારે એક્ટિવા ફંગોળાઇને રાજપથ ક્લબ સાઇડ જઇને પડયું હતું. ઋત્વિક એશિયન ગ્રેનીટો ઇન્ડિયા લિમિટેડ કંપનીના ડાયરેકટર કાળીદાસ પટેલનો યુવાન પુત્ર હતો. કાર ડિવાઇડ તોડીને સામેની બાજુ જતી રહી હોવાથી કાર ચાલકને પણ ગંભીર ઇજાઓ થઇ હતી.
કારે એક્ટિવાને ટક્કર મારતા આગળ જતા સ્કૂટરને એક્ટિવા અથડાતાં સ્કૂટર ઉપર જતા દંપતીને પણ ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવની જાણ થતાં રાહદારીએ ફોન કરતાં એમ્બ્યુલન્સમાં તમામને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સ્કૂટર ઉપર જઇ રહેલા થલતેજમાં રહેતા જયાબહેન ઠાકરેને પગે ત્રણ ફ્રેકચર થયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું, કે કારની સ્પિડ વધારે હતી. કાર ચાલકે બ્રેક જ મારી ન હતી જેથી ગમખ્વાર અકસ્માત સર્જાયો અને કાર ડિવાઇડર કૂદીને સામે સાઇડ પહોચી ગઇ હતી. ટ્રફિક પોલીસ દ્વારા સીસીટીવી કાર ચાલક સામે ગુનો નોધી સીસીટીવી ફુટેજ આધારે પુરાવા એકઠા કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.