ભરૂચના ગાંધી બજાર અને કરીયાણા બજારની ખુલ્લી ગટરો જોખમી
અનાજ ભરેલી ટ્રક રીવર્સ લેતી વેળા ખુલ્લી ગટરમાં ખાબકતા ચાલકનો બચાવ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગાંધી બજાર અને નાની બજારના કરીયાણાના ગોડાઉનો નજીક ખુલ્લી ગટરો ભારે વાહનો માટે જીવલેણ બની રહી છે.
ત્યારે આજે સવારે અનાજનો જથ્થો ભરેલી ટ્રક ચાલકે રીવર્સ લેતી વેળા પાછળનું ટાયર ખુલ્લી ગટરમાં ખાબકી જતા ગટરમાં ઉતરી જતા ચાલકનો બચાવ થયો હતો.ત્યારે અનાજનો જથ્થો પણ પ્રદુષિત પાણી સાથે પડતા અનાજના જથ્થાને પણ નુકશાન થવા પામ્યું હતું.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરો વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી બની રહી છે.ત્યારે મહંમદપુરા તરફ થી અનાજનો જથ્થો ભરેલી ટ્રક નાની બજાર અનાજના ગોડાઉનો તરફ જઈ રહી હતી.
તે દરમ્યાન ટ્રક ચાલકે પોતાની ટ્રક રીવર્સ લેતી વેળા પાછળનું ટાયર ખુલ્લી ગટર માં ખાબકી જતા અનાજનો જથ્થો ભરેલી ટ્રક ગટરમાં ઉતરી ગઈ હતી અને ચાલક પણ ફસાઈ ગયો હતો.
પરંતુ તેને સતર્કતા વાપરી હતી અને આસપાસના લોકોએ ભારે જેહમત કર્યા બાદ તેને બહાર કાઢ્યો હતો.પરંતુ ટ્રકને ખુલ્લી ગટર માંથી કાઢવા માટે ટ્રકમાં રહેલો અનાજનો જથ્થો પાંચ કલાક ની ભારે જેહમત બાદ બહાર કાઢી ટ્રકને જેસીબીની મદદ થી બહાર કાઢવામાં આવી હતી.
પરંતુ ખુલ્લી ગટરોના ત્રાસ થી સ્થાનિક વેપારીઓએ પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.ત્યારે ખુલ્લી ગટરો કોઈ નિર્દોષનો જીવ લે તે પહેલા તંત્ર તેનું સમારકામ કરાવે તે જરૂરી છે નહિતર આવનાર સમય માં મોટી જાનહાની સર્જાઈ નહિ.