કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટ જશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની તરફથી સંસદમાં પાસ કરાવવામાં આવેલા 3 કૃષિ બિલો (Farm Bills)ને રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ બિલો હવે કાયદા બની ગયા છે. દેશભરમાં વિપક્ષી પાર્ટીઓ અને ખેડૂતો આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh)એ કહ્યું છે કે તેમની સરકાર આ કૃષિ કાયદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના દરવાજા ખખડાવશે. સંસદમાં ગત સપ્તાહે પાસ થયેલા કૃષિ બિલોના વિરોધમાં ખેડૂતો અને વિપક્ષી પાર્ટીઓના પ્રદર્શનો ચાલુ છે.
કૃષિ કાયદાની વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શન પર મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું છે કે દેશની હાલની સ્થિતિનો ફાયદો પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ ઉઠાવી શકે છે. તેમનું કહેવું છે કે ખેડૂત આઈએસઆઈ માટે સરળ શિકાર હોઈ શકે છે. સોમવારે ખટકર કલાંમાં કૃષિ કાયદાઓની વિરુદ્ધ ધરણાં પર બેઠેલા મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું કે સરકારની પાસે એવો કોઈ અધિકાર નથી કે તેઓ કૃષિ પર કોઈ કાયદો લાવે કારણ કે આ રાજ્યનો મામલો છે. તેની વિરુદ્ધ અમે કોર્ટ જઈશું.