ઉત્તર પૂર્વના રાજ્યો ભારતના મનપસંદ પ્રવાસન સ્થળો અને વ્યાવસાયિક કેન્દ્રો તરીકે વિકસશે
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે “ડેસ્ટિનેશન નોર્થ ઇસ્ટ – 2020″નું ઉદ્ઘાટન કર્યું -કુદરતી સૌંદર્ય, જનજાતિ સંસ્કૃતિ અને કળામાં સમૃદ્ધ વારસો ધરાવતા ઉત્તરપૂર્વના રાજ્યો વિશ્વના પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બનવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે
‘ડેસ્ટિનેશન નોર્થ ઇસ્ટ-2020’નો ઉદ્દેશ દેશના લોકોને ઉત્તરપૂર્વના પ્રવાસન સ્થળો જોડવાની સાથે આ વિસ્તારની વિવિધ સંસ્કૃતિનો પરિચય કરાવવાનો છે
વિકાસનું સર્વસમાવેશક અને તમામ પાસાંઓને આવરી લેતું મોડલ અપનાવીને મોદી સરકારે પૂર્વોત્તર પરિષદના બજેટમાંથી 21 ટકાનો ખર્ચ પછાત જિલ્લાઓ, ગામડાઓ અને વંચિત સમુદાયો પર કરવાનો નિર્ણય લીધો છે
કેન્દ્રીય ગૃહ મંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “ડેસ્ટિનેશન નોર્થ ઇસ્ટ – 2020″નું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી પૂર્વોત્તર પરિષદના અધ્યક્ષ પણ છે. આ પ્રસંગે પૂર્વોત્તર વિસ્તાર વિકાસ માટેના રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલય, કર્મચારી વિભાગ, જાહેર ફરિયાદ, પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ વિભાગના મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ અને ઉત્તરપૂર્વના આઠ રાજ્યનોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત હતા.
શ્રી અમિત શાહે એમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “કુદરતી સૌંદર્ય, જનજાતિ સંસ્કૃતિ અને કળામાં સમૃદ્ધ વારસો ધરાવતા ઉત્તરપૂર્વના રાજ્યો વિશ્વના પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બનવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે.” તેમણે કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉત્તર પૂર્વના રાજ્યો ભારતના મનપસંદ પ્રવાસન સ્થળો અને વ્યાવસાયિક કેન્દ્રો તરીકે વિકસશે.”
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, 30 સપ્ટેમ્બર સુધી ચાલનાર ‘ડેસ્ટિનેશન નોર્થ ઇસ્ટ-2020’નો ઉદ્દેશ દેશના લોકોને ઉત્તરપૂર્વના પ્રવાસન સ્થળો જોડવાની સાથે આ વિસ્તારની વિવિધ સંસ્કૃતિનો પરિચય કરાવવાનો છે. આ રીતે ભારતીયો પૂર્વોત્તરની જીવંત અને વિવિધતાસભર સંસ્કૃતિનો પરિચય પણ મેળવશે. શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “તેમણે ઘણાં રાજ્યો અને દેશોના પ્રવાસન સ્થળો જોયા છે, ઉત્તર પૂર્વના રાજ્યોની સુંદરતા વિશિષ્ટ છે. ઉત્તરપૂર્વ ભારતના પ્રવાસન સ્થળોમાં મોખરાનું સ્થાન ધરાવે છે, જેના વિના ભારતીય સંસ્કૃતિ અધૂરી છે. પોતાના મતવિસ્તાર ગાંધીનગરમાં આયોજિત થનાર આગામી સમારંભમાં આમંત્રણ આપવાની સાથે શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “એનાથી ઉત્તરપૂર્વના લોકો ગુજરાતની સંસ્કૃતિ સાથે પરિચિત થશે અને ગુજરાતના લોકો પૂર્વોત્તરની સંસ્કૃતિથી વાકેફ થશે.”
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “ઉત્તર પૂર્વમાં આર્થિક વિકાસ, પ્રવાસને પ્રોત્સાહન અને વિસ્તારમાં રોજગારી પેદા કરવા માટે શાંતિ જળવાઈ રહે એ અતિ મહત્ત્વપૂર્ણ છે. એક સમય આતંકવાદ, ચક્કાજામ, હિંસા માટે જાણીતા પૂર્વોત્તરના રાજ્યો હવે વિકાસ, પ્રવાસન, સજીવ ખેતી, ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સ માટે જાણીતા છે. આ છેલ્લાં છ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વને કારણે શક્ય બન્યું છે.” કેન્દ્રીય ગૃહ મંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તરના રાજ્યોમાં શાંતિ સ્થાપિત કરવા માટે ઘણી કામગીરી થઈ છે. બાંગ્લાદેશ સાથે સરહદી જમીનની સમજૂતી, મણિપુર બ્લોકેડ, બોડો સમજૂતી અને 8 હિંસક જૂથોના 641 સભ્યો દ્વારા આત્મસમર્પણ – મોદી સરકારની નોંધપાત્ર સિદ્ધિઓ છે.” શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદીએ 30થી વધારે વાર પૂર્વોત્તરના રાજ્યોની મુલાકાત લીધી છે, જે આઝાદી પછી દેશના કોઈ પણ પ્રધાનમંત્રી દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ મુલાકાતો છે.”
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “યોગ્ય ભંડોળ વિના વિકાસ શક્ય નથી. અગાઉ પૂર્વોત્તરના વિકાસ માટે યોજનાઓ બનતી હતી, પણ આ માટે અતિ ઓછા ફંડની ફાળવણી થતી હતી. 14મા નાણાં પંચે પૂર્વોત્તર માટે ફાળવણીમાં 251 ટકાનો વધારો કરીને આ રકમ રૂ. 3,13,375 કરોડ કરી છે. અગાઉની સરકારમાં 13મા નાણાં પંચે ફક્ત રૂ. 89,168 કરોડની ફાળવણી કરી હતી.” શ્રી અમિત શાહે એવું પણ જણાવ્યું હતું કે, “વિકાસનું સર્વસમાવેશક અને તમામ પાસાંઓને આવરી લેતું મોડલ અપનાવીને મોદી સરકારે પૂર્વોત્તર પરિષદના બજેટમાંથી 21 ટકાનો ખર્ચ પછાત જિલ્લાઓ, ગામડાઓ અને વંચિત સમુદાયો પર કરવાનો નિર્ણય લીધો છે.”
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે પૂર્વોત્તર રાજ્યોને રેલ, રોડ અને એર લિન્ક દ્વારા એકબીજા સાથે અને ભારતના અન્ય રાજ્યો સાથે જોડવાની દિશામાં અભૂતપૂર્વ પ્રયાસ કર્યા છે. આ માટે રૂ. 15,088 કરોડના છ રેલવે પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. ઉપરાંત વિવિધ એરપોર્ટ વિકસાવવાના પ્રોજેક્ટ્સ પર રૂ. 553 કરોડનો ખર્ચ થશે અને 869 કિલોમીટરની લંબાઈ ધરાવતા 19 રોડ પ્રોજેક્ટ પર આશરે રૂ. 10,000 કરોડનો ખર્ચ થશે.”
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “કોરોના સમયગાળા દરમિયાન મોદી સરકારે પૂર્વોત્તરના લોકોને આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ પ્રદાન કરી છે, જેમાં એમ્સના ડૉક્ટરો દ્વારા ટેલીકોન્ફરન્સ દ્વારા દવાઓ અને સારવાર સામેલ છે.” શ્રી શાહે એવું પણ જણાવ્યું હતું કે, “આ સમયગાળા દરમિયાન સરકારે 3.09 કરોડ લોકોને 7.7 લાખ મેટ્રિક ટન અનાજ પ્રદાન કર્યું છે. ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત રૂ. 533 કરોડ અને જન ધન યોજના અંતર્ગત રૂ. 1,707 કરોડ ગરીબ લોકોના બેંક ખાતામાં સીધા જમા કર્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, “દેશને આઝાદી મળ્યાં પછી પૂર્વોત્તર રાજ્યો સામાન્ય રીતે દેશની જીડીપીમાં 20 ટકા હિસ્સો ધરાવતા હતા, પણ એમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.” તેમણે પૂર્વોત્તર ર જ્યોને પ્રવાસન અને ઉદ્યોગનું કેન્દ્ર બનાવવા તથા આઇટી અને સજીવ ખેતીનું કેન્દ્ર બનાવવા અપીલ કરી હતી, જેથી વર્ષ 2024 સુધી દેશના જીડીપીમાં પૂર્વોત્તરનો હિસ્સો વધે તથા ભારત સરકારની એક્ટ ઇસ્ટ પોલિસીનો મહત્ત્વપૂર્ણ ભાગ બને. શ્રી શાહે કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તર વિસ્તારના આઠ રાજ્યો વિકાસના માર્ગે અગ્રેસર છે અને પૂર્વોત્તર રાજ્યો ટૂંક સમયમાં દેશ માટે વિકાસનું નવું એન્જિન બનશે.”
ડેસ્ટિનેશન નોર્થ ઇસ્ટ એ ઉત્તર પૂર્વીય વિસ્તારના વિકાસ માટેના મંત્રાલયનો દર વર્ષે યોજાતો કાર્યક્રમ છે, જે યોજવા પાછળનો આશય દેશના પૂર્વોત્તર રાજ્યોને દેશના અન્ય વિસ્તારો સુધી લઈ જવાનો છે અને તેમને દેશના અન્ય વિસ્તારો સાથે વધારે ગાઢ રીતે જોડવાનો છે. ડેસ્ટિનેશન નોર્થ ઇસ્ટ 2020 માટે “ધ ઇમર્જિંગ ડિલાઇટફૂલ ડેસ્ટિનેશન્સ” થીમ નક્કી કરવામાં આવી છે, જેમાં વધારે મજબૂત થઈ રહેલા પ્રવાસન સ્થળો વિશે વાત થશે અને જ્યારે આ ક્ષેત્ર વેગ પકડશે, ત્યારે આ સ્થળો વધારે આકર્ષક બનશે.
આ ચાર દિવસનો કાર્યક્રમ છે, જેમાં રાજ્યો અને વિસ્તારોના પ્રવાસન સ્થળોને આવરી લેતું ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન થશે, રાજ્યના આઇકોન અને સફળ લોકો સંદેશ આપશે, સ્થાનિક ઉદ્યોગસાહસિકોનો પરિચય કરાવશે તથા હસ્તકળા/પરંપરાગત ફેશન/અને સ્થાનિક ઉત્પાદનોનું વર્ચ્યુઅલ પ્રદર્શન યોજાશે. એમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રવાસન મંત્રીઓના વિશેષ સંદેશા સામેલ હશે તેમજ દરેક રાજ્યોની સાંસ્કૃતિક ચીજવસ્તુઓ અને આઠ રાજ્યોની સંયુક્ત સંસ્કૃતિ પ્રદર્શિત કરતું મિશ્ર નૃત્યો પ્રસ્તુત કરવામાં આવશે.