સુશાંત સિંહ રાજપુત કેસના દરેક પાસાની તપાસ ચાલુ : CBI
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મોતના ૧૦૬ દિવસ પછી પણ આ કેસનો નિવેડો આવ્યો નથી. સીબીઆઈની તપાસને પણ ૪૦ દિવસથી વધુનો સમય થયો છે. બે ડઝનથી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. એમ્સની ફોરેન્સિક ટીમે ત્રણવાર ઘટનાનું રિકંસ્ટ્રક્શન કર્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ડ્રગ્સ એંગલ ચકાસી રહ્યું છે તો ઈડી મની લોન્ડ્રિંગના એંગલથી તપાસ ચલાવે છે.
એક તરફ સુશાંત કેસની તપાસ મંદ પડી જતાં ફેન્સ અને પરિવાર લાચારી અનુભવી રહ્યો છે. ત્યારે સોમવારે સીબીઆઈએ નિવેદન આપ્યું છે. તપાસ એજન્સીએ કહ્યું કે, તેઓ બારીકાઈથી દરેક પાસા ચકાસી રહ્યા છે અને હજી તપાસ પૂરી નથી થઈ. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનએ નિવેદન આપ્યું કે,
સુશાંત સિંહ રાજપૂતની મોતની તપાસ હજી ચાલુ છે. એજન્સી પ્રોફેશનલી તપાસ કરી રહી છે અને દરેક પાસાની તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે. એવા ઘણા મીડિયા રિપોર્ટ્સ છે જેમાં કહેવાયું છે કે, સીબીઆઈને હત્યા કે આત્મહત્યાની ઉશ્કેરણી અંગેના કોઈ પુરાવા મળ્યા નથી.
જો કે, સીબીઆઈનું કહેવું છે કે, આજની તારીખ સુધીમાં દરેક પાસા પર તપાસ થઈ રહી છે. કોઈપણ પાસાને નકારવામાં આવ્યું નથી. તો બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ છે કે, સીબીઆઈ જલદી જ સુશાંત સિંહ રાજપૂતની બહેનોને પૂછપરછ માટે બોલાવી શકે છે.
મહત્વનું છે કે, અગાઉ સીબીઆઈએ સુશાંતની એક બહેન મીતુ સિંહની પૂછપરછ કરી હતી. સુશાંતના મોત મામલે ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ કેસની દિશા થોડી બદલાઈ હતી પરંતુ આશા છે કે, એક પછી એક કડીઓ જોડાશે અને સુશાંતના મોતના રહસ્ય પરથી પડદો હટશે. દરમિયાન સુશાંતના પિતા કેકે સિંહના વકીલ વિકાસ સિંહનું કહેવું છે કે, તપાસની દિશા ફંટાઈ ગઈ છે.
હવે મોતથી વધુ ડ્રગ્સ એંગલની તપાસ થઈ રહી છે. એવામાં પરિવાર લાચારી અનુભવી રહ્યો છે. જો કે, વચ્ચે એવા અહેવાલો પણ આવ્યા છે કે, રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેન સામે નોંધાવેલી ફરિયાદ સીબીઆઈ સુધી પહોંચી ગઈ છે. આ મામલે જલદી જ સીબીઆઈ પ્રિયંકા સિંહ અને મીતુ સિંહની પૂછપરછ કરી શકે છે.