ભારત 2290 કરોડ રૂપિયાનાં શસ્ત્રો ખરીદશેઃ કેન્દ્રની દરખાસ્તને સંરક્ષણ ખાતાએ મંજૂરી આપી
નવી દિલ્હી, લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર ચીન સાથે સતત થઇ રહેલા ટેન્શન વચ્ચે કેન્દ્રના સંરક્ષણ મંત્રાલયે રૂપિયા 2290 કરોડની લશ્કરી શસ્ત્ર સરંજામ ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ દરખાસ્તમાં અમેરિકા પાસેથી 72 હજાર એસોલ્ટ રાયફલ ખરીદવાની યોજનાનો સમાવેશ થયો હતો.
સંરક્ષણ મંત્ર્યાલયની સોમવારે મળેલી બેઠકમાં સર્વોચ્ચ સમિતિ ડિફેન્સ એક્વીઝીશન પ્રોસિજરના સભ્યો હાજર હતા. સરહદ પર સતત વધી રહેલા ટેન્શનને ધ્યાનમાં રાખીને નવી લશ્કરી સામગ્રી ખરીદવાની દરખાસ્ત આ બેઠકમાં રજૂ થઇ હતી.
આ માહિતી આપતાં સંરક્ષણ ખાતાના પ્રવક્તાએ કહ્યું કે જે સામગ્રી ખરીદવાની મંજૂરી અપાઇ છે એમાં અમેરિકાની એસોલ્ટ રાયફલ્સ ઉપરાંત હવાઇ દળ માટે 970 કરોડ રૂપિયાની એન્ટી એરફિલ્ડ વીપન સિસ્ટમ્સનો પણ સમાવેશ કરાયો હતો. આ અધિકારીએ કહ્યું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘના અધ્યક્ષપદે મળેલી આ બેઠકે કુલ 2290 કરોડ રૂપિયાની લશ્કરી સામગ્રી ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.