Western Times News

Gujarati News

આહવા તાલુકામા “કોવિડ-૧૯ વિજય રથ” નું આગમન

કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આપી લીલી ઝંડી : આહવા સહિત ભવાનદગડ, નડગખાદી, ચિકટીયા, અને પીમ્પરી ખાતે યોજાયુ જન જાગૃતિ અભિયાન

આહવા: ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ફરી રહેલો “કોવિડ-૧૯ વિજય રથ” આજે આહવા મુખ્ય મથકે આવી પહોચ્યો હતો. “સાવચેતીને સંગ, જીતીશુ જંગ” ની આહલેક જગાવતા આ “કોવિડ-૧૯ વિજય રથ” ને આહવાના ગાંધી બાગ પાસેથી ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથના માધ્યમથી આહવા નગરના બસ સ્ટેન્ડ સહીત ફુવારા સર્કલ ઉપર “કોરોના” સામેનો જંગ જીતવા માટે પ્રજાકીય સહયોગ માટેની અપીલ કરવામાં આવી હતી.

આહવા ખાતેથી “કોવીડ-૧૯ વિજય રથ”ના પ્રસ્થાન વેળા ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહ સહીત જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. ડી.સી.ગામીત, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો. પાઉલ વસાવા, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.બરથા પટેલ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.દિલીપ શર્મા સહીત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીમ્પરીના આયુસ મેડીકલ ઓફિસર ડો.કોમલ ખેંગાર અને વંદનાબેન તગમડિયા તથા તેમની ટીમ, માહિતી વિભાગની ટીમ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. કાર્યવ્યવસ્થા ઇન્ચાર્જ માહિતી અને શિક્ષણ અધિકારી શ્રી રમેશભાઈ પટેલે સંભાળી હતી.

દરમિયાન આહવા બસ સ્ટેન્ડ ખાતે રથના માધ્યમથી આયોજિત જન જાગૃતિ કાર્યક્રમ દરમિયાન આહવાના સરપંચ શ્રી હરિરામ સાવંતના હસ્તે આહવાના “કોરોના વિનર્સ”નું પુષ્પ આપી અભિવાદન પણ કરાયુ હતુ. તે પૂર્વે ગાંધી બાગ પાસે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનું પ્રદર્શન રજુ કરાયું હતું. જયારે જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને “અમૃતપેય” ઉકાળાનું પણ વિતરણ કરાયું હતું.

આહવા બાદ “કોવિડ-૧૯ વિજય રથ” આહવા તાલુકાના ભવાનદગડ, ચિકટીયા, નડગખાદી, અને પીમ્પરી ખાતે ગ્રામજનોને સોશિયલ ડીસ્ટન્સ, ફેસ માસ્ક અને સેનેટાઇઝરના નિયમિત ઉપયોગ સાથે આરોગ્યલક્ષી વિવિધ કલ્યાણ યોજનાઓની જાણકારી પૂરી પાડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.