વટવામાં ગેરકાયદેસર વીજ કનેકશન તપાસવા ગયેલી ટોરેન્ટની ટીમ પર હુમલો
ઝપાઝપી કર્યા બાદ પણ છરીઓ મારવાની ધમકી આપી હુમલાખોર ફરાર
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં વીજચોરીના બનાવો અવારનવાર સામે આવે છે જેના પગલે વીજ કંપની વારંવાર આવી ચોરીઓ પકડીને કનેકશન તપાસવા અને કાયદેસરની કાર્યવાહી કરવા જતી હોય છે જેમની ઉપર વારંવાર હુમલા થવાની ઘટના પણ બનતી હોય છે.
આવી જ ઘટના વટવા ચાર માળીયા ખાતે બની છે જયાં ટોરેન્ટની ટીમ સાથે ઝઘડો કરી છરી બતાવનાર શખ્સ વિરુધ્ધ ગુનો નોંધાયો છે.
આ ઘટનાની વિગત એવી છે કે નિલેશભાઈ શાહ નારણપુરા ખાતે રહે છે અને બહેરામપુરા ટોરેન્ટ પાવરની ઓફીસમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે નિલેશભાઈ પોતાની ટીમ સાથે મંગળવારે સવારે સાડા દસ વાગ્યે વટવા વસંત ગજેન્દ્ર ગડકરનગર ખાતે પહોચ્યા હતા
અને ગેરકાયદેસર વીજ કનેકશન અંગે તપાસ કરતા હતા ત્યારે બ્લોક નં.રપ પાસે એમપીએસ તથા મીટરોમાં કનેકશન તપાસતા હતાં તે સમયે ત્યાં જ રહેતો રફીક ઉર્ફે લાલપરી શેખશાહભાઈ શેખ ત્યાં આવ્યો હતો અને અમારા એરીયામાં કોને પુછીને વીજ ચેકીંગ કરવા આવ્યા છો તેમ કહી ગાળો બોલીને નિલેશભાઈ સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો હતો
આ જાેઈને સ્ટાફના અન્ય માણસો વચ્ચે પડતા રફીકે એમની ઉપર પણ હુમલો કર્યો હતો ઉપરાંત છરી બતાવીને મારા એરીયામાં ફરી વીજ તપાસ કરવા આવ્યા છો તો છરીઓ મારી દઈશ તેવી ધમકીઓ આપી હતી.
આ ઘટનાને પગલે નિલેશભાઈએ પોલીસને જાણ કરી હતી જાેકે પોલીસ આવી પહોંચે એ પહેલાં જ રફીક રફુચક્કર થઈ ગયો હતો. પોલીસે આ અંગેની ફરીયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.