શાહીબાગની સરકારી હોસ્પીટલમાં નળ ફિટીંગ કરનાર જ બાથરૂમના નળ ચોરી ગયો
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં બે શખ્સો વિરુધ્ધ ફરીયાદ
(પ્રતિનિધિ) અમદાવાદ, શાહીબાગમાં આવેલા એક મોટા સરકારી દવાખાનામાં બે ગઠીયા ચુપચાપ પ્રવેશીને નળ ચોરી ગયા હતા. સિકયુરીટી હાજર હોવા છતાં તેમને આ ઘટનાની જાણ થઈ નહોતી જાેકે સીસીટીવી કુટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ જતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.
આ ઘટના અંગેની વિગત એવી છે કે શાહીબાગ બળીયા લીમડી ચાર રસ્તા ખાતે ગુજરાત સરકાર સંચાલિત આંખની મોટી હોસ્પીટલ આવેલી છે ગત શુક્રવારે બપોરના સુમારે બીજા માળે આવેલા બાથરૂમમાંથી પુષ્કળ પાણી વહીને છેક બહાર સુધી ફેલાતા હાજર સિકયુરીટી ગાર્ડે તપાસ કરતા બાથરૂમમાંથી કોઈએ નળ ચોરી ગયાની જાણ થઈ હતી.
બાદમાં સિકયુરીટી ઈન્ચાર્જ રતનસિંહ ચાવડા સીસીટીવી કુટેજ તપાસતાં હોસ્પીટલમાં જ નળ ફિટીંગનું કામ કરતો ચીરાગ અમૃતભાઈ પરમાર (વાસુદેવ ધનજીની ચાલી, ભીલવાસ, બહેરામપુરા) તથા સાગર છનાજી ઠાકોર (દીપજયોત સોસાયટી, ભીલવાસ, બહેરામપુરા) દેખાયા હતા
જે કોઈપણ કામ વગર ચુપચાપ હોસ્પીટલના પરીસરમાં પ્રવેશ્યા બાદ લીફટ વડે બીજે માળ જઈ મોંઘા નળ ચોરી જતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. રતનસિંહે આ અંગે બંને વિરુધ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવી છે.